Surat News | સુરતમાં મુન્નાભાઈ MBBSનો રાફડો, 15 બોગસ તબીબની કરી ધરપકડ
નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે સુરતમાં મોટી કાર્યવાહી. શહેરના પાંડેસરા વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્રમાણ વગર ડોક્ટર બનનાર 15 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. પાંડેસરામાં 3 કિલોમીટરના વિસ્તારમાં એક સાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હતા. આમ છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી. પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી દર્દી મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી. બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એક સાથે 15 ડોક્ટરના ક્લિનીક પર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ ડોક્ટરને ત્યાંથી પોલીસે અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈન્જેક્શન, સીરપ સહિત 59 હજારનો મેડિકલ સામાન જપ્ત કર્યો હતો. પકડાયેલા ડોક્ટરોમાં કેટલાક પાસે DHMCની ડિગ્રી હતી. જો કે, તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જો ડિગ્રી બોગસ હશે તો તે ડોક્ટર બનેલા શખ્સ સામે વધુ એક ગુનો દાખલ થઈ શકશે. તમામ બોગસ ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનીક ખોલીને બેસી ગયા હતા. બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.