Anant Ambani: અનંત અંબાણીની દ્વારકા યાત્રા પૂર્ણ, મંગળા આરતીનો લીધો લાભ અને ગોમતીમાં કર્યું સ્નાન
રિલાયન્સ ગૃપના અનંત અંબાણી સતત દસ દિવસની 115 કિ.મી.ની પદયાત્રા કરીને આજે દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ દરરોજ 10-12 કિ.મી.નું અંતર કાપતા હતા. અનંત અંબાણી આજે તિથી મુજબ રામનવમીએ પોતાના જન્મ દિવસની ઉજવણી દ્વારકામાં કરવા જઇ રહ્યા છે. પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે તેમની પત્ની અને માતા પણ જોડાયા હતા.
આજે વહેલી સવારે અનંત અંબાણી 'ધીરુભાઇ અંબાણી માર્ગ' પરથી પસાર થઇને દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલા માતા ગોમતી નદીનું પુજન કરી ભગવાન દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. જેમની સાથે અંબાણી પરિવાર, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિ અને સેલિબ્રિટી જોડાયા છે. અંબાણીએ મંગળા આરતીનો લાભ લીધો હતો. તેમજ શારદા પીઠમાં પૂજા-અર્ચના કરી હતી. અનંત અંબાણીએ દ્વારકામાં પ્રવેશ કરતાં 'ધીરુભાઇ અંબાણી માર્ગ' પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા છે.