Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
અરવલ્લી જિલ્લામાં 31 ડિસેમ્બર પહેલા જ દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે ધરપકડ કરી હતી. બોર્ડર વિસ્તારમાં પોપટ ભરવાડ નામનો પોલીસકર્મી, એસઆરપી જવાન રાહુલ દેસાઈ સાથે મળીને દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. રિક્ષામાં 27 પેટી દારુ લાવીને કારમાં મુકતી વખતે જ LCBની ટીમ ત્રાટકી હતી. દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મી પોપટ ભરવાડ અને SRP જવાન રાહુલ દેસાઈને LCBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોપટ ભરવાડ શામળાજી અણસોલ ચેક પોસ્ટ પર ફરજ બજાવે છે. જ્યારે રાહુલ દેસાઈ અંકલેશ્વરમાં ફરજ બજાવે છે. પોલીસકર્મી પોતે જ દારૂની હેરાફેરી કરતો હોવાની ઘટના બનતા વધુ એક વખત ખાખી પર દાગ લાગ્યો હતો.
નવા વર્ષના સ્વાગત માટે જ્યારે લોકો થર્ટી ફર્સ્ટની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અરવલ્લી પોલીસ અસામાજિક તત્વોના મનસૂબા પર પાણી ફેરવવા સજ્જ થઈ છે. ગુજરાત-રાજસ્થાનને જોડતી 10 સરહદી ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસની બાજ નજર છે.