Gandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!
રાજ્યના શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકો (વર્ગ-૩)ની બઢતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી આ પદ પર સીધી બઢતી આપવામાં આવશે નહીં, પરંતુ લાયક ઉમેદવારોએ બઢતી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે. આ નિર્ણયનો હેતુ વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનો છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી અને સીધી ભરતી અંગેના નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, બઢતી માટે હવે માત્ર પરીક્ષા જ નહીં, પરંતુ ઉમેદવારનો ખાનગી અહેવાલ, ખાતાકીય તપાસ અંગેનું પ્રમાણપત્ર, HTAT તરીકેનો ફરજનો સમયગાળો અને હિન્દી તેમજ કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરવામાં આવશે.
અગાઉ, મદદનીશ કેળવણી નિરીક્ષકોને અનુભવ, કામગીરી અને વરિષ્ઠતાના આધારે સીધી બઢતી આપવામાં આવતી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગે આ પ્રક્રિયામાં ફેરફાર કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને ફરજિયાત બનાવી છે. વિભાગનું માનવું છે કે આનાથી વધુ યોગ્ય અને સક્ષમ ઉમેદવારો આ પદ માટે પસંદ થશે.