Mahadev Satta App Scam: મહાદેવ બેટિંગ એપને લઈને મોટા સમાચાર, પાટણમાંથી પકડાયો ભાગીદાર
ભારતની સૌથી મોટી સટ્ટા બેટિંગ ધરાવતી એપ્લિકેશનનો ભાગીદાર પાટણમાંથી પકડાયો છે. મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદારી ધરાવતો ભરત મુમજી ચૌધરીને સરહદી રેન્જ પોલીસે બાતમીને આધારે ઝડપ્યો હતો. ઝડપાયેલ આરોપીના મોબાઈલ તપાસ કરતા મહાદેવ બુકના માલિકો સાથેના વાર્ષિક 5213 કરોડના હિસાબો મળ્યા હતા. સરહદી રેન્જ પોલીસે મહાદેવ બુકના ભાગીદાર ભરત ચૌધરી ને પાટણની યશ ટાઉનશીપ ખાતેથી ઝડપી પાડ્યો હતા.
પોલીસ તપાસમાં મોબાઈલમાંથી 23 આઇડી મળ્યા હતા. તેમજ મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક હિસાબો પણ મળી આવ્યા હતા. પોલીસે હાલ કાર અને મોબાઈલ મળી કુલ 15 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
થોડા દિવસ પહેલા છત્તીસગઢના જશપુર જિલ્લાના ટપકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવ સટ્ટા એપ સાથે જોડાયેલી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગેંગના 95 બેંક ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપતનો પર્દાફાશ કર્યો હતો. 28 કરોડ 76 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને શંકાસ્પદ બેંક ખાતામાંથી 25 કરોડ 51 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા. અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 77 હજાર રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.