Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યાં છે, હવે સિલસિલો ગુજરાતમાં પણ એક્ટિવ થઇ ગયો છે. તાજેતરમાં જ ગુજરાતના કચ્છમાંથી સૌથી મોટો સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટમાં 1 અબજ રકમની છેતરપિંડીનો બનાવ નોંધાયો છે. આ કેસમાં પોલીસે હાલમાં એક આરોપીની અટકાયચત કરી છે અને ત્રણ સામે સાયબર રેકેટ મામલે ગુનો નોંધ્યો છે.
કચ્છમાંથી સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. માહિતી પ્રમાણે, પશ્ચિમ કચ્છ-ભુજ સાયબર ક્રાઈમ સેલે રૂપિયા 105 કરોડથી વધુના સાયબર ફ્રૉડનો પર્દાફાશ કર્યો છે. બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેકથી ઉપાડી કમિશન મેળવનારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર કેસ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રૉડથી કુલ એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ રૂપિયા મેળવ્યા હતા. આ નાણાં ચેકથી ઉપાડી તેઓ કમિશન મેળવતા હતા. આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરીને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.