Gambhira Bridge Collapse: ગંભીરા બ્રિજને લઈ સૌથી મોટા સમાચાર: માત્ર 12 માસમાં જ નવો બ્રિજ તૈયાર થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે રૂ. ૨૧૨ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
સામાન્ય સંજોગોમાં આવા પુલના કામો માટે ૧૮ માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રીવ્યું કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલાં કામગીરી એટલે કે ૧૨ માસમાં પૂર્ણ કરવાની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. જેના માટે આગામી ૩ માસમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરાશે.
વધુમા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતુ કે, વિભાગના આલેખન વર્તુળના ઇજનેરો, પુલોના નિષ્ણાંત કન્સલ્ટન્ટ તેમજ વર્તુળ અને ક્ષેત્રિય કચેરીઓના અધિકારીઓ દ્વારા એક અઠવાડિયામાં ૧૮૦૦ થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કરાયું છે. જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા ૧૩૩ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ છે.