Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. મંત્રી મંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે.