Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
બનાસકાંઠાના દાંતા ખાતે રતનપુર સત્કાર સમારંભમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં અમિત ચાવડાએ ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવો માહોલ છે. ભાજપના શાસનમાં છેલ્લા 30 વર્ષથી દારૂબંધીના કાયદાને અભેરાઈ પર મૂકી દેવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે બુટલેગરો સામે ઓપરેશન શરૂ કરવાની હાકલ કરી હતી. તેમણે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પોતાના વિસ્તારોમાં દેશી તેમજ વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરોની યાદી તૈયાર કરવા અપીલ કરી હતી. ગેનીબેને જણાવ્યું હતું કે દરેક વિસ્તારમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરી તેની એક નકલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આપવામાં આવશે. સાથે જ તેમણે સરકારને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા પણ અપીલ કરી હતી.