Vikram Thakor : કલાકારોની વિધાનસભા મુલાકાત વિવાદ મામલે વિક્રમની પત્રકાર પરીષદ, વીડિયો મુદ્દે ધડાકો

Continues below advertisement

Vikram Thakor : કલાકારોની વિધાનસભા મુલાકાત વિવાદ મામલે વિક્રમની પત્રકાર પરીષદ, વીડિયો મુદ્દે ધડાકો

Vikram Thakor Gujarat government: પ્રખ્યાત કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર પર ઠાકોર સમાજની લાંબા સમયથી અવગણના કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના અનેક કાર્યક્રમોમાં ઠાકોર સમાજના દીકરા-દીકરીઓની યોગ્ય ભાગીદારી જોવા મળતી નથી. આ સાથે, તેમણે ઠાકોર સમાજના કોઈપણ કલાકારને સરકારી સ્તરે આયોજિત કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અંગે પણ પોતાની નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું કે કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી અને દરેક સમાજમાં પ્રતિભાશાળી કલાકારો મોજૂદ છે. તેમણે સરકારને વિનંતી કરી કે તેઓ તમામ સમાજના કલાકારોને સમાન તક આપે અને તેમને પોતાના કાર્યક્રમોમાં સામેલ કરે. તેમણે માહિતી આપી કે શંકર ભાઈ ચૌધરી દ્વારા કોઈ કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું તેમને જાણવા મળ્યું છે.

વિક્રમ ઠાકોરે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ઠાકોર સમાજને જો સરકારી કામ નહીં મળે તો તેનાથી કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં રહે. તેમણે કહ્યું કે સમાજ જે નિર્ણય લેશે તે તેમને શિરોમાન્ય રહેશે અને દરેક સમાજના કલાકારો તેમના સમર્થનમાં ઊભા છે.

રાજકારણમાં જોડાવાની વાત પર વિક્રમ ઠાકોરે જણાવ્યું કે તેમને 2007માં નરેન્દ્ર મોદી મળ્યા હતા અને તેમણે તેમને રાજકારણમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા, પરંતુ હાલમાં તેમનો રાજકારણમાં જોડાવાનો કોઈ વિચાર નથી. તેમણે પોતાને એક સામાન્ય માણસ ગણાવ્યો અને કહ્યું કે તેઓ લડવાવાળા વ્યક્તિ નથી.

વિક્રમ ઠાકોરે પોતાની ફિલ્મ 'ખેડૂત એક રક્ષણ'નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ ફિલ્મ બનાવવા છતાં તેમને સરકાર દ્વારા કોઈ એવોર્ડ આપવામાં આવ્યો નથી. તેમણે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પણ સમાજના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરના આ નિવેદનથી ઠાકોર સમાજમાં સરકાર પ્રત્યેની નારાજગીની લાગણી સ્પષ્ટપણે સામે આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતાં નારાજ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતાં વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ન બોલાવવામાં આવતાં તેમને દુઃખ થયું હતું. એક મિત્રએ પણ તેમને આ બાબતે ધ્યાન દોર્યું હતું, જેનાથી તેમની નારાજગી વધી હતી.

નવઘણજી ઠાકોરે પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા હતા. વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે સન્માનિત થયેલા તમામ કલાકારો યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને પાત્ર છે અને તેમની અવગણના ન થવી જોઈએ. તેમણે સરકારને વિનંતી કરી હતી કે ભવિષ્યમાં કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે 10 માર્ચના રોજ ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર સહિતના કેટલાક જાણીતા કલાકારોનું વિધાનસભામાં સન્માન કરવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોરની આ નારાજગી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી અને ઠાકોર સમાજના લોકોમાં દુઃખ અને નારાજગી જોવા મળી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram