Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની અગત્યની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર હેઠળ અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ પવન સાથે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, આગામી 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ 20.4 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય વરસાદના આંકડા કરતાં 3 ટકા ઓછો છે. વિસ્તારવાર સ્થિતિ જોઈએ તો, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સામાન્ય કરતાં 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન સિસ્ટમ મુજબ બે-બે સક્રિય સિસ્ટમ હોવા છતાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 21 ઈંચ એટલે કે સિઝનનો 75 ટકા જેટલો વરસાદ જ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3 ટકા ઓછો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગાહી કરી છે કે ગુજરાતમાં વેલ માર્ક લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી.