Bhima Dula Arrested: સૌરાષ્ટ્રના કુખ્યાત ભીમા દુલા ગેંગ પર પોલીસની મોટી કાર્યવાહી
પોરબંદર પોલીસે આજે વહેલી સવારે એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના કુખ્યાત ગુનેગાર ભીમા દુલા અને તેના ત્રણ સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બોરીચા ગામમાં આવેલા ભીમા દુલાના ફાર્મ હાઉસ પર દરોડો પાડીને આ કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી માત્રામાં હથિયારો, વિદેશી દારૂનો જથ્થો અને રોકડ રકમ મળી આવી છે. પોલીસે 91 લાખ 68 હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.
આ ઓપરેશનની પૃષ્ઠભૂમિ એવી છે કે થોડા દિવસ પહેલાં બોરીચા ગામમાં એક મારામારીની ઘટના બની હતી, જેમાં ભીમા દુલાનું નામ સામે આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે ભીમા દુલાને પકડવા માટે આ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ભીમા દુલા સામે અગાઉથી જ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના પર હત્યા, મારામારી, ખનિજ ચોરી અને જમીન પચાવી પાડવા સહિતના કુલ 48 ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસે હવે ભીમા દુલા અને તેના સાગરિતોની પૂછપરછ શરૂ કરી છે. આ ધરપકડથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.