ભારત બંધના સમર્થનમાં વિરોધ કરી રહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની કરાઈ અટકાયત
ખેડૂત વિરોધી કાયદાને લઈને ભારત બંધના એલાને સફળ બનાવવા નીકળેલા કોંગ્રેસી ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. ભાભર વાવ સર્કલ પાસે વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કાયૅકરોએ હાઈવે પર ચકકાજામ કરીને દેખાવ કર્યો હતો. જો કે, પોલીસે તેમની અટકાયત કરી હતી. પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલને નજરકેદ કર્યા હતા, તો અમીરગઢ ઈકબાલગઢ હાઈવે પર ચક્કાજામ કરી રહેલા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ને પોલીસે ઝપાઝપી કરીને અટકાયત કરી હતી. તે સિવાય થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની પણ પોલીસે અટકાયત કરી હતી. જો કે જિલ્લામાં કલમ 144 લાગુ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને છે જેને લઇને પોલીસ બંદોબસ્ત છે. કાંતિ ખરાડી અને ધારાસભ્ય મહેશ પટેલે સરકાર અને પોલીસના આ પગલાને ખેડૂતો નો અવાજ દબાવવાનું જણાવ્યું હતું. કોંગ્રેસી ધારાસભ્યો અને કોંગ્રેસી કાર્યકરો જિલ્લામાં વિરોધ કરે એ પહેલા જ પોલીસે અટકાયત કરી અને કાર્યવાહી કરી હતી.