Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
મોરબી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોવાની ગવાહી આપતી હકીકત વચ્ચે જિલ્લામાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની વધુ એક ફેકટરી માળીયા તાલુકાના નવા દેવગઢ ગામેથી ઝડપાઇ છે, જ્યાં ભેજાબાજ ગેંગે રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂની બોટલોમાં કેમીકલ ભેળવી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવી વેચાણ કરવા ફેકટરી શરૂ કરી નાખી હતી. મોરબી એલસીબી ટીમે સમગ્ર કારસ્તાન પકડી પાડી હાલના બે આરોપીઓને રૂ.૨,૭૯,૭૦૫ ના મુદામાલ સાથે પકડી પાડયા છે.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે માળીયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપભાઇ જીવણભાઇ સવસેટા તથા જયરાજભાઇ જીવણભાઇ સવસેટા નામના બન્ને ભાઇઓ ભેગા મળી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં સસ્તા ભાવના ઇગ્લીશ દારૂમા કેમીકલ ભેળવી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરે છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે આરોપીઓના કબજા ભોગવટા વાળા મકાને દરોડો પાડતા ઇંગ્લીશ દારૂ, ખાલી બોટલો, સ્ટીકરો, ઢાંકણા, વિગેરે સાધનસામગ્રી મળી આવતા માળીયા મિયાણા તાલુકા પોલીસ મથકે ગુન્હો પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.