Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ

Continues below advertisement

Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ

Gujarat politics 2025: વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવેલા "પટ્ટા ઉતરાવી દેવાના" કથિત નિવેદને સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જી છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીથી પોલીસ જવાનો અને તેમના પરિવારજનોનું સ્વાભિમાન ઘવાયું છે. જેના ઘેરા પ્રત્યાઘાતો રૂપે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છમાં પોલીસ પરિવારો, સામાજિક સંસ્થાઓ અને વેપારીઓએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આંદોલનકારીઓની એક જ માંગ છે કે જીજ્ઞેશ મેવાણી તાત્કાલિક રાજીનામું આપે અથવા પોલીસ વિભાગની જાહેરમાં માફી માંગે.

પાટણમાં પોલીસ પરિવારોનો હુંકાર

જીજ્ઞેશ મેવાણીના નિવેદન સામે સૌથી પ્રબળ વિરોધ પાટણમાં જોવા મળ્યો હતો. અહીં પોલીસ હેડ ક્વાર્ટર્સથી કલેક્ટર કચેરી સુધી પોલીસ પરિવારજનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ એક વિશાળ રેલી યોજી હતી. રેલીમાં જોડાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવેદનપત્ર આપીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, ધારાસભ્ય કાં તો રાજીનામું આપે અથવા પોલીસ વિભાગ માટે ઉચ્ચારેલા અપમાનજનક શબ્દો બદલ જાહેરમાં માફી માંગે.

બનાસકાંઠામાં વિરોધનો વંટોળ: થરાદ બંધ અને પાલનપુરમાં ધરણા

બનાસકાંઠા જિલ્લામાં પણ આ મુદ્દે વાતાવરણ ગરમાયું છે.

પાલનપુર: અહીં એસપી (SP) કચેરી ખાતે અંદાજે 700 જેટલા પોલીસ પરિવારના સભ્યો એકઠા થયા હતા. હાથમાં પ્લે-કાર્ડ અને બેનરો સાથે મહિલાઓ અને યુવાનોએ "જીજ્ઞેશ મેવાણી હાય હાય"ના નારા લગાવીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

વાવ-થરાદ: સરહદી વિસ્તાર થરાદમાં પોલીસ પરિવારના સમર્થનમાં વેપારીઓ પણ મેદાનમાં આવ્યા હતા. મેવાણીના વિરોધમાં થરાદમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. વેપારીઓ અને નાગરિકોએ સાથે મળીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

મહેસાણામાં રેલી યોજી માફીની માંગ

મહેસાણામાં પણ આ વિવાદના પડઘા પડ્યા છે. અહીં પોલીસ હેડ ક્વાર્ટર્સથી કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા પોલીસ પરિવારજનોએ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમનું કહેવું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસકર્મીઓનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં. તેમણે ધારાસભ્ય પાસે તાત્કાલિક માફીની માંગણી કરી છે.

કચ્છ સુધી પહોંચી વિરોધની આગ

ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છમાં પણ જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. અહીં પણ પોલીસ પરિવારોની સાથે સ્થાનિક વેપારીઓ જોડાયા હતા અને જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર રાજ્યમાં પોલીસ બેડામાં અને તેમના પરિવારોમાં ધારાસભ્યના નિવેદનને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola