PM Modi Address Nation: 'ઓપરેશન સિંદૂર' બાદ PM મોદીનું પહેલું સંબોધન
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર'ને ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કરતા પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતે ૧૦૦ થી વધુ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા છે અને આતંકવાદી સંગઠનોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે "સિંદૂર ભૂંસી નાખવાની કિંમત શું હોય છે."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા 'ઓપરેશન સિંદૂર' અંગે વિસ્તૃત માહિતી આપી. તેમણે આ ઓપરેશનને ભારતના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ ગણાવ્યું અને તેને દેશની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કર્યું. વડાપ્રધાને જણાવ્યું કે, "પહેલગામમાં રજાઓ મનાવી રહેલા નિર્દોષ દેશવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા, જે આ દેશને તોડવાનો એક ઘૃણાસ્પદ પ્રયાસ હતો. આ પીડા મારા માટે ખૂબ મોટી હતી."
આતંકવાદીઓને ખુલ્લો પડકાર અને સેનાને છૂટ
વડાપ્રધાને કહ્યું કે, "આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરવા માટે આખો રાષ્ટ્ર એક થઈને ઊભો થયો. અમે સેનાને આતંકવાદીઓનો સફાયો કરવા માટે છૂટ આપી હતી. આજે દરેક આતંકવાદી અને તેમના સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર કાઢવાનું શું પરિણામ આવે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદીઓએ કલ્પના પણ નહોતી કરી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે, પરંતુ જ્યારે દેશ એક થાય છે અને રાષ્ટ્ર સર્વોચ્ચ હોય છે, ત્યારે આવા મજબૂત નિર્ણયો લેવાય છે અને તેના પરિણામો પણ મળે છે.