Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
ગુજરાતની પોલીસ હવે આરોપીને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરિત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. દાહોદમાં પણ આરોપીએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આજે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા SMCના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી. દાહોદના લીમડી- લીમખેડા હાઈવે પર આરોપી અશોક બિશ્નોઇએ કાર ચલાવી રહેલા PSI કે.ડી.રવ્યાના ગળામા સીટબેલ્ટ નાખીને તેનું ગળું દબાવી દીધું હતું, જે બાદ કારમા સવાર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.ખાટે આરોપી અશોક બિશ્નોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળું દબાવવાનું ચાલું રાખ્યું હતું. જેથી આખરે પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી હતી. જે બાદ આરોપીએ સીટ બેલ્ટ છોડ્યો હતો. ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે...