Gujarat Rain Data: રાજ્યમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવી છે, જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાંથી 24 તાલુકામાં 3 થી 10.51 ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે, જેણે જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે.
ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે. આ ઉપરાંત, પોશીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ, લાખણીમાં 4.09 ઇંચ અને તલોદમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં પણ 3.09 ઇંચ વરસાદ પડ્યો છે.
બહુચરાજીમાં યાત્રાળુઓ મુશ્કેલીમાં
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અહીં ગઈ કાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 69 મિલીમીટર (2.71 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે બહુચરાજી-શંખલપુર પાલખી રોડ અને હાઇવેથી મંદિર તરફ જતા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. આજે પૂનમ હોવાને કારણે મોટી સંખ્યામાં માઈભક્તો મા બહુચરના દર્શને આવ્યા છે, પરંતુ રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં કુલ 627 મીમી વરસાદ ખાબક્યો છે. પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા છે.