Sanjay Raut Statement: ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને લઈ સંજય રાઉતનો બફાટ

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે ગુજરાતી ભાષાને લઈને એક વિવાદીત નિવેદન આપ્યું છે, જેના કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં તેની ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

સંજય રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હિન્દી ભાષાથી કોઈ ખતરો નથી અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. જોકે, તેમણે વિવાદાસ્પદ રીતે ઉમેર્યું કે મરાઠી ભાષા પર ગુજરાતી ભાષાથી ખતરો છે. તેમના આ નિવેદનથી અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

સંજય રાઉતના આ નિવેદન પર ગુજરાત ભાજપે આકરા પ્રતિક્રિયા આપી છે. ગુજરાત ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ સંજય રાઉતના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે સંજય રાઉતે ગુજરાતી ભાષાથી ખતરો હોવાનું નિવેદન આપીને પ્રદેશ ભાજપને નારાજ કર્યું છે.

યજ્ઞેશ દવેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં મરાઠીઓ રહે છે, અને બંને સમુદાયના લોકો હળીમળીને સાથે રહે છે. તેમણે સંજય રાઉત પર રાજકીય પરાજયનો આરોપ લગાવતા કહ્યું કે "તમે હારી ગયા છો, તમને પ્રજા પસંદ નથી કરી રહી, એટલે ભાષાને લઈને લોકોમાં ઝેર ન ફેલાવો." યજ્ઞેશ દવેએ ભારપૂર્વક કહ્યું કે તેઓ સંજય રાઉતના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola