Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વીજ બીલ ચેકિંગ અને વીજ ચોરીને લઇને તપાસ ચાલી રહી છે. હવે પીજીવીસીએલના તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં 28 કરોડથી વધુની વીજ ચોરી પકડાઇ છે. આમાં સૌથી વધુ વીજ ચોરી ભાવનગરમાંથી ઝડપાઇ છે.
માહિતી પ્રમાણે, રાજ્યમાં વીજ ચોરીની ઘટનાઓને ડામવા માટે કામગીરી ચાલી રહી છે. તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વીજ ચોરીના કેસો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક મહિનામાં 28.97 કરોડથી વધુની વીજ ચોરી પકડાઇ છે. ગત ડિસેમ્બર મહિનામાં 55041 સ્થળે વીજ ચેકિંગ હાથ ધરાયુ છે. 7668 વીજ જોડાણોમાં આ તમામ પ્રકારની ગેરરીતિ સામે આવી છે. ખાસ વાત છે કે, આમાં સૌથી વધુ 4.80 કરોડની વીજ ચોરી એકલા ભાવનગરમાંથી પકડાઇ છે. અહીં વધુ પ્રમાણમાં વીજચોરી ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ અને લૉડ વધારામાં જોવા મળી હતી. કચ્છના અંજારમાં મીઠા કારખાનામાં સૌથી વધુ 96 લાખની વીજચોરી પકડાઇ છે. જુદા જુદા જિલ્લામાં 5 એવા ઔધોગિક યૂનિટ હતા જ્યાં 20 લાખથી વધુની વીજચોરી પકડાઇ છે. સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને અંજારમાં સૌથી વધુ વીજ ચોરી થઇ રહી છે.