Jain Derasar Theft Case : અમદાવાદના પાલડીમાં આવેલ જૈન દેરાસરમાં થયેલ 1.64 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદના પાલડીમાં આવેલ જૈન દેરાસરમાં થયેલ 1.64 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત ચોરીમાં સંડોવાયેલા અને ચોરીના માલનો વહીવટ કરનાર વેપારી સહિત કૂલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો આરોપી મેહુલે છેલ્લા અઢી વર્ષમાં કટરથી કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધુ હતુ. સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્નીની મદદથી આ ચોરી કરેલ ચાંદીને દેરાસરમાંથી બહાર લઈ જતા હતા..જેને રોનક શાહ અને સંજય જાગરીયા નામના આરોપીને વેચી દેતા હતા. રોનક અને સંજય ચોરીના ચાંદીના દાગીના અને જડતર બજારમાં જઈને શરાફ પેઢીમાં ગાળવા આપી દેતા હતા. તે ગાળ્યા બાદ તેના પૈસા લઈને આરોપીઓ એ જ પૈસાથી નવા ચાંદીની ખરીદી કરી લેતા હતા. આરોપીઓેએ બે વર્ષના ગાળામાં 117 કિલોથી વધુ ચાંદીની ચોરી કરી હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી રિકવર કરી છે. ઉપરાંત 79 હજારની રોકડ અને એક બોલેરો પીકઅપ પણ જપ્ત કર્યુ છે.