Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
ગુજરાત પોલીસ બેડામાં આજે મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના પોલીસવડા (DGP) વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. અગાઉ તેમને એક્સ્ટેન્શન મળ્યું હતું, પરંતુ હવે નવા એક્સ્ટેન્શનની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય તેવું લાગે છે.
વિદાય સમારંભની તૈયારીઓ
વિકાસ સહાયની નિવૃત્તિને લઈ રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ ભવનના તમામ કર્મચારી, અધિકારીઓને વર્દીમાં આવવા સૂચના અપાઈ છે. પોલીસ વડા તરીકે વિકાસ સહાયને અપાયેલું 6 મહિનાનું એક્સટેન્શન આજે પૂર્ણ થશે. નવા પોલીસ વડાના નામની જાહેરાત મોડી સાંજ સુધીમાં થાય તેવી શક્યતા છે. ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાયને જૂન મહિનામાં રાજ્ય સરકાર દ્વારા અંતિમ ઘડીએ 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. જેનો સમયગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે. વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે તેમને ફરીથી મુદત વધારો મળી શકે છે. પરંતુ ગાંધીનગર કન્ટ્રોલરૂમ દ્વારા પોલીસ ભવનના સ્ટાફને ઉદ્દેશીને પરિપત્રિત કરાયેલા એક આંતરિક પત્ર બાદ હવે તેમની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.