North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita
આ સમયે સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 4.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે.હિમાચલ પ્રદેશ અને કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે પહાડોમાં રહેતા લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. જો કે મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને શીત લહેર ચાલુ છે.પહાડોમાં હિમવર્ષાના કારણે શ્રીનગરમાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 3.4 ડિગ્રી નોંધાયું હતું. પ્રવાસીઓના પ્રિય સ્થળ ગુલમર્ગમાં પારો માઈનસ 3.8 ડિગ્રી નોંધાયો હતો. પહેલગામમાં પણ લઘુત્તમ તાપમાન માઈનસ 4.8 ડિગ્રી નોંધાયું હતું.
આ હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. મેદાની વિસ્તારોમાં પંજાબના ફરીદકોટનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. ફતેહપુરમાં રવિવારે સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહ્યું હતું. આ ઉપરાંત ચુરુ, ભીલવાડા, સંગરિયા, પિલાની અને સિરોહીમાં પણ પારો 5 ડિગ્રીથી નીચે રહ્યો હતો.