IndiGo Crisis: ઈન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ યથાવત, દિલ્લી સહિતના એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા
ઈન્ડિગો સંકટ આજે સાતમા દિવસે પણ યથાવત રહ્યું છે. સાતમા દિવસે પણ દિલ્લી, જયપુર, બેંગાલુરૂ સહિતના એરપોર્ટ પર સેંકડો યાત્રીઓ અટવાઈ ગયા છે. ઈન્ડિગોની ફ્લાઈટો કેન્સલ થતા અને નિર્ધારીત સમયથી મોડી પડતા ઈન્ડિગો કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ પણ સાતમા દિવસે યથાવત રહ્યું છે. મુસાફરોનો આરોપ છે કે DGCAનો આદેશ છતા સમયસર સામાન પણ પરત મળતો નથી. જેના કારણે અન્ય ફ્લાઈટના બુકિંગમાં પણ વિલંબ થઈ રહ્યો છે.... આ તરફ DGCAએ ઈન્ડિગોના CEOને વધુ એક નોટિસ ફટકારી છે. જવાબ ન દેવા પર આકરી કાર્યવાહી માટે તૈયાર રહેવા પણ સૂચના અપાઈ છે. આ તરફ ઈન્ડિગો તરફથી દાવો કરાઈ રહ્યો છે કે ઈન્ડિગો બોર્ડ યાત્રીકોને પડતી મુશ્કેલી દૂર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. આ તરફ અમદાવાદમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ઈન્ડિગોની કુલ 18 ફ્લાઈટ રદ કરાઈ છે. જ્યારે 20 ફ્લાઈટે આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ઉડાન ભરી છે. જેમાં સાત ફ્લાઈટ અન્ય ઠેકાણેથી અમદાવાદ આવી પહોંચી છે... તો 14 ફ્લાઈટ અમદાવાદથી વિવિધ સ્થળે ઉડાન ભરી હતી. આ તરફ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવાર મોડીરાત સુધીમાં કુલ છ ફ્લાઈટ રદ રહી. સવારે ઈન્ડિગોની સુરત- બેંગાલુરૂ, સુરત- પૂણે અને સુરત- કોલકતા ફ્લાઈટ્સ રદ થઈ હતી. તો સાંજે સુરત-હૈદરાબાદ, સુરત- જયપુર અને સુરત- દિલ્લી ફ્લાઈટ્સ રદ થઈ હતી. છેલ્લા છ દિવસથી અનેક ફ્લાઈટો રદ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. તો વડોદરામાં સાતમાં દિવસે પણ ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થઈ. આજે સવારે મુંબઈ- વડોદરા- મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ થઈ. ઈન્ડિગો તરફથી દાવો કરાયો કે ફ્લાઈટ ઓપરેશનમાં સતત સુધારો થઈ રહ્યો છે અને ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થયો છે. રવિવારના 1500 ફ્લાઈટસનું સફળ સંચાલન કરાયું. જ્યારે સોમવાર સુધીમાં ફ્લાઈટની સંચાલન સંખ્યા 1650 કરાશે. ઈન્ડિગોએ દાવો કર્યો કે 30 ટકા ફ્લાઈટ ઓન ટાઈમ ઉડાન અને ઉતરાણ કર્યું. તો મુસાફરોને રિફંડની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે.. 10 ડિસેમ્બર સુધીમાં તમામ સેવાઓ પૂર્વવત થઈ જવાનો પણ ઈન્ડિગો તરફથી દાવો કરાયો.