Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર
રાજ્યમાં બળાત્કારીઓ, ડ્રગ્સ માફિયાઓ અને લેન્ડ માફિયાઓ વિરૂદ્ધ ભૂપેન્દ્ર પટેલની સરકારે જબરદસ્ત કાર્યવાહી વેગવંતી કરી છે. અસામાજિક તત્વોએ હડપેલી ગેરકાયદેસર સંપત્તિને સીધુ નિશાન બનાવી તેમને આર્થિક રીતે તોડી પાડી તેમજ તેમનો સમાજમાંથી દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે આજે જામનગરના થાવરિયા ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું. મુખ્યમંત્રીની સીધા માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી જામનગરના સામૂહિક દુષ્કર્મના આરોપી હુશેન ગુલમામદ શેખે હડપેલી સંપત્તિ પર બુલડોઝર ચાલ્યું છે. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હુશેન ગુલમામદ શેખે હડપેલી 11 વીઘા ગૌચરની જમીન પર સાફ સફાઈ શરૂ થઈ છે. નવેમ્બર મહિનામાં જ હુશેન ગુલમામદ શેખ વિરૂદ્ધ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી તો આજ શખ્સ વિરૂદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ, પ્રોહિબીશન એક્ટ સહિતના આઠ ગુના દાખલ થઈ ચૂક્યા છે. ગૌચરની જમીનમાં અશદ ફાર્મ હાઉસ તથા તાર ફેન્સિંગ કરી કરાયેલું દબાણ હટાવાયું છે. રાજ્ય સરકારનો સીધો સંદેશ છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ અગાઉ દ્વારકા, સોમનાથ, કચ્છ સહિતના વિસ્તારમાં અસામાજિક તત્વોના કુકર્મોને ડિમોલીશ કરી સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે... સાથે જ કાયદાનું ભાન કરાવવા ગુનેગારોના સરઘસના દ્રશ્યો સતત આવતા રહ્યા છે.. કુલ મળીને દાદાની સરકાર અને હર્ષ સંઘવીનો વિભાગ ગુનેગારોને તેમના કર્મોની કાનૂની રાહે સજા અપાવી નાગરિકોમાં તેમનો ભય ઓછો કરવા પ્રયત્નશીલ છે..