Kadi Underpass Rescue : કડી અંડરપાસમાં 5 વાહનો ફસાયા, 7 લોકોનું રેસ્ક્યૂ; એકનું મોત
Kadi Underpass Rescue : કડી અંડરપાસમાં 5 વાહનો ફસાયા, 7 લોકોનું રેસ્ક્યૂ; એકનું મોત
ચોમાસા પહેલા કડીમાં ગઇકાલે રાત્રે પડેલા કમોસમી વરસાદે કડી નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના કડીમાં ગઇકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે કડી અંડરપાસમાં પાણી ભરાઇ ગયું હતું.
કડીમાં રવિવાર રાત્રે વરસેલા વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાયા હતા. જેના કારણે પાણીમાં ત્રણ ટ્રકો અને બે કાર અંડરપાસમાં ફસાઇ હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું.જો કે સાત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પરંતુ સ્કોર્પિયોમાં રહેલ હર્ષદ પંચાલ નામના વ્યક્તિને સ્થાનિકો બચાવી ન શક્યા. JCBની મદદથી ફસાયેલા વાહનોને અંડરપાસમાંથી બહાર કઢાયા હતા. વરસાદના કારણે રાત્રે કડીના અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા. અંડરપાસની સામે જ ફાયર સ્ટેશન હોવા છતા ફાયરની ટીમ સમયસર ન આવ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
સૌથી મોટો સવાલ છે કે જે અંડરપાસમાં પાણી ભરાયું તેની સામે જ ફાયરની કચેરી આવી છે. માત્ર 52 પગલા દૂર કચેરી હોવા છતાં નગરપાલિકાની ફાયર ટીમ ડૂબતા લોકોને મદદ માટે ન આવી શકી તેવો આરોપ લોકોએ લગાવ્યો હતો. સ્થાનિક લોકોએ જીવના જોખમે લોકોને બચાવ્યા હતા. બાદમાં ફાયરની ટીમ પહોંચી હતી પરંતુ રાતભર રેસ્ક્યૂ ચાલ્યું પણ નગરપાલિકા પ્રમુખ કે એકપણ હોદ્દેદાર જોવા ન મળ્યા ન હતા. રાત્રે 10 વાગ્યાનો વરસાદ રોકાઈ ગયો હોવા છતાં સવારે પાંચ વગ્યા સુધી અંડરપાસમાં પાણી ઉતર્યું ન હતું. જેના કારણે રેસ્ક્યૂ કરવામાં તકલીફ પડી રહી છે. JCBની મદદથી ફસાયેલા વાહનોને અંડરપાસમાંથી બહાર કઢાયા હતા.