BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપ

Continues below advertisement

ભારતીય જનતા પાર્ટી, જેને વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવામાં આવે છે, તેની સદસ્યતા અભિયાનને લઈને વિવાદ ઉભો થયો છે. લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં જોડાવા માટે લોકોનો ઉત્સાહ ઘટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.  મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ વિસનગરની જીડી જનરલ હોસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો ઠાલવી રહ્યો છે. ગુસ્સાનું કારણ સ્ટાફ તરફથી સારવારમાં કોઈ કમી નહીં, પરંતુ ભાજપમાં જોડી દેવાને લઈને છે. 

વિપુભા જાગીરદાર નામના વ્યક્તિ તેમની પત્નીને ઇન્જેક્શન અપાવવા માટે વિસનગરની સરકારી હોસ્પિટલમાં ગયા હતા. એક કર્મચારીએ તેમનો મોબાઈલ નંબર માંગીને ઓટીપી મેળવ્યો. બાદમાં જ્યારે ભાજપના સદસ્ય બન્યાનો મેસેજ આવ્યો ત્યારે વિપુભાને ખબર પડી કે તેમને ભાજપના સદસ્ય બનાવી દેવાયા છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા વિપુભાઈએ હોસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો ઠાલવ્યો અને સવાલ કર્યો કે શું ભાજપમાં જોડાઈએ તો જ સારવાર કરશો? વિસનગર જીડી જનરલ હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટે આ મામલાથી અજાણ હોવાનું કહ્યું અને કર્મચારી સામે તપાસના આદેશ આપ્યા છે.  

ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થયા પછી સદસ્ય બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ ન થતાં અવનવા ગતકડા અપનાવવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરની બે શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં તો હવે દર્દીઓનો સહારો લેવો પડી રહ્યો છે. મહેસાણાના નગરની સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓને ભાજપના સદસ્ય બનાવતા હોવાનો સમગ્ર વિડીયો સામે આવ્યો છે. દર્દીઓએ આક્ષેપ કર્યો છે કે ઇન્જેક્શન વિભાગમાં બેઠેલા કર્મચારી દર્દીઓ પાસેથી ઓટીપી લઈને ભાજપના સદસ્ય બનાવતા હતા. 

વિપુભાએ આ ઘટનાનું વર્ણન કરતાં કહ્યું કે તેમની પત્નીને ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. સ્ટાફે ઓટીપી માંગ્યો અને તેમને ભાજપના સદસ્ય બનાવી દીધા.  સિવિલ હોસ્પિટલના સુપરીન્ટન્ડેન્ટે આ મામલાથી અજાણ હોવાનું કહ્યું અને કહ્યું કે આ એજન્સીનો માણસ હતો અને એજન્સીના માણસ દ્વારા ઓટીપી લેવામાં આવ્યો છે. સવાલ એ થાય છે કે સરકારી હોસ્પિટલની અંદર દર્દીઓ પોતાની સારવાર લેવા આવે અને તેમને પણ ભાજપ પોતાના સદસ્ય બનાવવા માટે આ રીતે ઓટીપી લે અને દર્દીઓની જાણ બહાર સદસ્ય બનાવે તે કેટલું વ્યાજબી છે?  આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram