Gondal Controversy: ગોંડલમાં બે નંબરમાં શું ચાલે છે તેના પુરાવા સાથે લાવીશુ: ગણેશ જાડેજા સામે અલ્પેશ કથીરિયાનો હુંકાર

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ચાલી રહેલો પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેનો વિવાદ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો વકર્યો છે. સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ ગોંડલના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આગામી દિવસોમાં પુરાવા સાથે સામે આવવાની તથા મજબૂત તૈયારી સાથે ગોંડલ જવાની ચીમકી ઉચ્ચારી હતી.

અલ્પેશ કથીરિયાએ જાહેર મંચથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે 'માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે'. તેમણે સ્પષ્ટ કર્યું કે ગોંડલમાં તેઓ મજા આવશે ત્યારે ફરવા જશે. અગાઉ જ્યારે તેઓ ગોંડલ ગયા હતા ત્યારે તેમની ગાડીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું. તેનો ઉલ્લેખ કરતાં કથીરિયાએ ચીમકી ઉચ્ચારી હતી કે હવે જ્યારે તેઓ ગોંડલ જશે ત્યારે તેમની તૈયારી એવી હશે કે "હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે."

અલ્પેશ કથીરિયાએ ગોંડલના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે "ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા બે નંબરના ધંધા કરે છે, એના તમામ પુરાવા અમે લોકોને આપીશું." તેમણે સીધા આક્ષેપો કરતાં પૂછ્યું હતું કે "ક્યાં ગેમ્બલિંગ કરે છે? કોના ફાર્મહાઉસમાં બાયોડીઝલનો ધંધો ચાલે છે? જીએસટીનાં ખોટાં બિલો બનાવીને ખોટા ઇનવોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યાં છે?" તેમણે દાવો કર્યો કે આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને "અમે તમામના પુરાવા આપીશું."

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola