Rajkot New: જયંતિ સરધારા પર હુમલાના બનાવમાં PI સંજય પાદરીયા પાસે હથિયાર હતું કે કેમ તે હજી નથી થયું સ્પષ્ટ: પોલીસ
ગુજરાત પોલીસ માટે વધુ એક કલંકિત ઘટના સામે આવી છે. જૂનાગઢ એસઆરપી રિજિયન PI સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રિના સમયે કણકોટ મવડી રોડ પર એક પ્રસંગમાં પાર્ટી પ્લોટ બહાર જ PI પાદરિયાએ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારાને "હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી હોવાનો FIRમાં ઉલ્લેખ કરાયો છે.
રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ નજીક પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના PI સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે, હજુ સુધીમાં પીઆઇ સંજય પાદરીયા પાસે બનાવ સમયે હથિયાર હતું કે કેમ તે સ્પષ્ટ નથી થયું. તબીબ દ્વારા જયંતી સરધારાને હેડ ઇન્જરી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. જયંતી સરધારાને માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે. તબીબનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.