Surat Rape Case | સામૂહિક દુષ્કર્મ કેસને લઈને ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 11-10-2024
સુરત જિલ્લાના માંગરોલનાં મોટા બોરસરા ગામમાં દુષ્કર્મની ઘટનાના આરોપીનું ફોરેન્સિક પીએમ પૂર્ણ થયું છે. આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ હતા. હાલ પ્રાથમિક રિપોર્ટમાં આરોપીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો સામે આવ્યું છે. એક મહિના બાદ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.
સુરત જિલ્લાના માંગરોલનાં મોટા બોરસરા ગામની સીમમાં ૧૭ વર્ષની તરૂણી ઉપર ત્રણ નરાધમોએ વારાફરતી દુષ્કર્મ કરવાના ચકચારી બનાવમાં પોલીસની ટીમે ગણતરીના સમયમાં બે આરોપી નરાધમો શિવશંકર ચોરસિયા અને મુન્ના પાસવાનને ઝડપી લીધા હતાં. બંનેની વલથાણ એલસીબી ચોકી ખાતે પૂછપરછ કરી નિવેદન લેતા હતાં તે સમયે શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરતાં પોલીસ સરકારી ગાડીમાં કામરેજ સરકારી દવાખાને લઈ ગઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ માં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર શરૂ કર્યા બાદ ફરજ પરના તબીબે શિવશંકર ચોરસિયાને મૃત જાહેર કર્યો હતો.