Surat News: સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, દોઢ વર્ષના બાળકનું થયું મોત
સુરતમાં એક પાર્ટી એટેન્ડ કરવી માતા પિતા માટે કમનસીબ સાબિત થઈ. પાલની યુફોરિયા બેન્કવેટમાં એક બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પાર્ટીમાં વિજય ભાઈ પોતાની પત્ની અને દોઢ વર્ષના પોતાના બાળક ક્રિશિવ સાથે આવ્યા હતા. વિજયભાઈ અને તેમના પત્ની પાર્ટીમાં એટલા વ્યસ્ત હતા કે દોઢ વર્ષનો ક્રિશિવ તેની પાસેથી ક્યારે ગુમ થયો તેનું ભાન પણ ન રહ્યું. ક્રિશિવ રમતો રમતો બેન્કવેટની બહાર નીકળી ગયો. બેન્કેવેટની બહાર બનાવેલા પોન્ડમાં પડી ગયો. હોલમાં પાર્ટીનો ધમધમાટ. અને બહાર પોન્ડમાં શ્વાસ લેવા ક્રિશિવના પોન્ડમાં ધમપછાડા. અંતે ઘણા સમયે માતા પિતાને ક્રિશિવની ગેરહાજરી દેખાઈ. તેમણે ક્રિશિવની શોધખોળ ચાલુ કરી. બીજી બાજુ ક્રિશિવને પોન્ડમાં તરફડિયા મારતો બેન્કવેટની બહાર બેઠેલા એક કર્મચારીએ જોયો.. તેણે તરત દોડીને જાણ કરી. બધા બહાર આવ્યા. ક્રિશિવને બહાર કાઢ્યો.. હોસ્પિટલ લઈ જવાયો. પણ ત્યાં સુધીમાં તો તેના શ્વાસ છીનવાઈ ગયા હતા. પાર્ટીમાં મસ્ત બનેલા મા - બાપે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવતા હવે આંસુ સારવાનો વખત આવ્યો છે.