ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો
એમેઝોનના માલિક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ ગ્લેન રોકેટમાં ટેસ્ટ દરમિયાન લોન્ચ પેડ પર બ્લાસ્ટ થયો હતો. ફૂટેજમાં જોઈ શકાય છે કે ધમાકા પછી રોકેટ આગના મોટા ગોળામાં ફેરવાઈ ગયું. બ્લુ ઓરિજિને કંપની તરફથી કહેવાયું કે ફ્લોરિડાના કેપ કેનાવેરલમાં ગુરુવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે હોટફાયર ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. આ જ ટેસ્ટ દરમિયાન રોકેટમાં ખામી આવી ગઈ અને આ દુર્ઘટના થઈ. આ ટેસ્ટ આગામી દિવસોમાં થનારા એક લોન્ચિંગની તૈયારીના સંબંધમાં કરવામાં આવી રહ્યો હતો.હોટ ફાયર ટેસ્ટ કોઈ રોકેટને અંતરિક્ષમાં મોકલતા પહેલા તેના એન્જિનની ક્ષમતા તપાસવાની એક અત્યંત જરૂરી પ્રક્રિયા છે. આમાં રોકેટને લોન્ચપેડ પર જ ક્લેમ્પ્સની મદદથી જમીન સાથે કડક રીતે બાંધી દેવામાં આવે છે. પછી નિર્ધારિત સમય માટે તેના એન્જિનોને પૂરી તાકાતથી ચાલુ કરવામાં આવે છે. બ્લુ ઓરિજિનના સ્થાપક જેફ બેઝોસે કહ્યું કે- અકસ્માતમાં બધા કર્મચારીઓ સુરક્ષિત છે. અમે અકસ્માતનું કારણ શોધવામાં લાગી ગયા છીએ. આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યો, પરંતુ જે પણ વસ્તુને ફરીથી બનાવવાની જરૂર પડશે, અમે તેને ફરીથી બનાવીશું અને ઉડાન પર પાછા ફરીશું. બ્રેવર્ડ કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ અનુસાર, લોન્ચ પેડ પર થયેલા આ વિસ્ફોટથી સામાન્ય જનતાને કોઈ ખતરો નથી. અમેરિકી સ્પેસ ફોર્સે જાણકારી આપી છે કે ઇમરજન્સી રિસ્પોન્ડર્સ ઘટના સ્થળે હાજર છે. આ સાથે જ અધિકારીઓ ઉપલબ્ધ ડેટાનું મૂલ્યાંકન કરવા અને ઘટનાના ચોક્કસ કારણની શોધ માટે બ્લુ ઓરિજિન સાથે મળીને કામ કરી રહ્યા છે.