Donald Trump | અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં લોહીલુહાણ થયા પૂર્વ રાષ્ટ્રપતિ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલીમાં ફાયરિંગ થયું હતું, જેમાં તેઓ ઘાયલ થયા હતા. સ્થાનિક સમય અનુસાર, તેઓ શનિવારે (13 જુલાઈ) પેન્સિલવેનિયાના બટલર શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા, ત્યારે ત્યાં ગોળીબાર શરૂ થયો, જેના કારણે પૂર્વ રાષ્ટ્રપતિ ઘાયલ થયા. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર તેના ચહેરા પર લોહી જોવા મળ્યું હતું. સિક્યોરિટીએ તરત જ તેને સ્ટેજ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલીમાં ફાયરિંગ બાદ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ટ્રમ્પના કાનની નજીકથી લોહી નીકળતું જોઈ શકાય છે. આ દરમિયાન સીક્રેટ સર્વિસના જવાનો તેને સ્ટેજ પરથી સુરક્ષિત રીતે નીચે લાવી રહ્યા છે. ટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘૃણાસ્પદ હુમલા દરમિયાન તાત્કાલિક પગલાં લેવા બદલ લો એનફોર્સમેન્ટ અને સૌથી પહેલા મદદ કરનારઓનો આભાર માન્યો. તેઓ સ્વસ્થ છે અને સ્થાનિક તબીબી ફેસિલિટી અંદર તેમની સારવાર ચાલી રહી છે.
ટ્રમ્પની હત્યાના પ્રયાસની તપાસ ચાલી રહી છે
બટલર કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ એ. ગોલ્ડિંગરે કહ્યું કે હુમલો કરનાર વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ચૂંટણી રેલીમાં હાજર એક વ્યક્તિનું મોત થયું છે અને કદાચ અન્ય વ્યક્તિનું પણ મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટના અંગે જાણકારી મેળવનાર અધિકારીઓનું કહેવું છે કે ફાયરિંગની ઘટનાને હત્યાના સંભવિત પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેખીતી રીતે સુરક્ષા પરિમિતિની બહારથી ગોળી ચલાવવામાં આવી હતી.