Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓએ કરેલા હુમલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ મંદિર પર હુમલાથી હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. હિન્દુઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે.
આ માહિતી આપતા પીલ રીઝનલ પોલીસે જણાવ્યું હતું કે ત્રણેયને બ્રૈમ્પટનમાં ઑન્ટારિયો કોર્ટ ઑફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવશે. ધરપકડ કરાયેલા લોકોમાં 23 વર્ષનો વિકાસ અને 31 વર્ષનો અમૃતપાલ સિંહ છે. આ કેસમાં ચોથા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે. તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને કેમેરામાં કેદ થયો હતો. સોહી પીલ રિજનલ પોલીસમાં સાર્જન્ટ તરીકે તૈનાત છે.
PM મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની કરી નિંદા
આ પ્રથમ ઘટના નથી જ્યારે ખાલિસ્તાનીઓએ કેનેડામાં હિન્દુઓ અને તેમના મંદિરોને નિશાન બનાવ્યા હોય. અગાઉ જૂલાઈમાં કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેની દિવાલો પર હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર અને ચિત્રો લખવામાં આવ્યા હતા. 23 જૂલાઈ, 2024ના રોજ સવારે એડમોન્ટનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના બહારના ભાગમાં કલર સ્પ્રેથી હિંદુ વિરોધી ચિત્રો અને સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા.
મંદિરના મેનેજમેન્ટે એડમન્ટન પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય-કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યને નિશાન બનાવીને મંદિરની દિવાલો પર 'હિન્દુ આતંકવાદી' શબ્દો લખવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2022 પછી આ ચોથી વખત હતું જ્યારે કેનેડામાં BAPS મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. અગાઉ ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિર સપ્ટેમ્બર 2022માં ખાલિસ્તાન તરફી ચિત્રો અને સૂત્રોથી રંગવામાં આવ્યું હતું.
ગયા વર્ષે એપ્રિલમાં ઑન્ટારિયોમાં વિન્ડસર BAPS મંદિરને પણ આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ઓગસ્ટ 2023માં મેટ્રો વાનકુવર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના મંદિરને પણ નિશાન બનાવાયું હતું. 2022થી કેનેડામાં 20થી વધુ હિન્દુ મંદિરોને સમાન રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડિયન પોલીસ હજુ સુધી આ ઘટનાઓ પાછળના લોકોની ઓળખ કરી શકી નથી.