પાકિસ્તાનઃ 17 સપ્ટેમ્બરે PM હાઉસની લક્ઝરી ગાડીઓની થશે હરાજી, જાણો ઇમરાન ખાને કેમ લીધો આવો નિર્ણય
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે વડાપ્રધાન નિવાસમાં જરૂરિયાતથી વધારે લક્ઝરી કારના વેચાણનો ફેંસલો કર્યો છે. શનિવારે આવેલા અહેવાલ મુજબ નવી સરકારએ ખર્ચ ઘટાડવાના અભિયાન અંતર્ગત આ નિર્ણય કર્યો છે. આ માટે મોંઘીદાટ ગાડીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરે તેની હરાજી કરવામાં આવશે.
આ ઉપરાંત 2015ના મોડલની ચાર બુલેટ પ્રૂફ લેન્ડ ક્રૂઝર પણ છે. અહેવાલ મુજબ 1800 સીસીની એક હોન્ડા સિવિક અને ત્રણ સુઝુકી વાહન પણ હરાજીમાં સામેલ છે. ઉપરાંત 1994ના મોડલની એક હિનો બસની પણ હરાજી કરાશે.
અહેવાલ મુજબ લિસ્ટમાં 2016ના મોડલની ચાર મર્સિડીઝ બેન્ઝ કાર પણ છે. તેમાંથી બે 4000 સીસીની બુલેટ પ્રૂફ કાર છે. આ ઉપરાંત ટોયોટાની 16 કાર પણ છે. તેમાંથી એક 2004ની લેક્સસ કાર, એક 2006ની લેક્સસ એસયુવી અને બે 2004ની લેન્ડ ક્રૂઝર છે. આઠ કાર 2003થી 2013 સુધીના મોડલની છે.
ડોન ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ આ મોંઘીદાટ ગાડીઓમાં આઠ બીએમડબલ્યુ સામેલ છે. જેમાંથી ત્રણ 2014નાં મોડલની છે. ત્રણ 5000 સીસીની એસયુવી અને બે 2016ના મોડલની 3000 સીસીની એસયુવી છે.
રોકડની તંગીનો સામનો કરી રહેલી સરકારે તેના ખર્ચ ઘટાડવાના કરેલા વાયદા અંતર્ગત આ નિર્ણય લીધો છે. ઈમરાન ખાને 18 ઓગસ્ટના રોજ પદભાર સંભાળ્યા બાદ તેઓ સૈન્ય સચિવના ત્રણ રૂમવાળા ઘરમાં બે નોકરો સાથે રહે છે. ઇમરાને જાહેરાત કરી હતી કે તેઓ વિશાળ પ્રધાનમંત્રી આવાસમાં નહીં રહે. અહીં 524 કર્મચારીનો સ્ટાફ અને 80 ગાડીઓનો કાફલો છે.