નવસારી:  આ વર્ષે કમોસમી વરસાદનાં કારણે કેરી પકવતા ખેડૂતોને નિરાશ કર્યા છે ત્યારે નવસારીના ખેડૂતોએ એક એવી આધુનિક અને વાવાઝોડા અને વાતાવરણ સાથે બાથ ભીડતી કેરીની જાતની વાવણી કરી રહ્યા છે જેમાં મહેનત ઓછી અને ફાયદો વધુ છે.  કઈ છે આ કેરીની જાત આવો તેના વિશે જાણીએ. 


નામ સોનપરી કેરી આપવામાં આવ્યું


નવસારીમાં આવેલી કૃષિ યુનિવર્સિટી દેશ અને વિદેશ સ્તરના કૃષિ સંશોધનો કરીને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરી રહી છે.  કોઈપણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ પર સંશોધન કરીને તેની આધુનિક જાત વિકસાવા સહીત તેનું માર્કેટ કઈ રીતે કરાય તેનું પણ ગાઈડન્સ યુનિવર્સિટી આપે છે.  આશરે 20 વર્ષ પહેલાં વલસાડના પર્યા ફાર્મ ખાતે પ્રાથમિક રીતે સંશોધિત થયેલી એક કેરીની જાત જે ભારે વરસાદ પવન અને તોફાન સામે પણ ટક્કર ઝીલીને અડીખમ રહીને ખેડૂતોને ફાયદો અપાવે છે અને બગડતી નથી, ત્યારે એમાં વધુ સંશોધનો કરી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક કેરીની જાત વિકસાવવામાં આવી અને જેનું નામ સોનપરી કેરી આપવામાં આવ્યું છે. 




સામાન્ય રીતે કોઈપણ પણ ફળમાં સડો લાગે તો ફળમાં માખી ઉતપન્ન થાય છે પણ આ પાકમાં ફળમાંખી જોવા મળતી નથી.  આશ્ચર્યજનક વાત છે કે ખેડૂતો પાસે પ્રથમ વખત આવેલી આ કેરીને તેઓએ તેનો આકાર અને વજન જોઈને દેશી કેરી હોઈ શકે તેમ કહી તેને નકારી હતી પણ જ્યારે તેને પાકતી જોઈ અને તેનો કલર સુવર્ણ જેવો આવ્યો તેને ચાખ્યા બાદ અદભુત મીઠાશ ધરાવતી કેરીની ડિમાન્ડ એકાએક વધવા પામી છે. 


પ્રગતિશીલ ખેડૂતે પોતાના બે એકરના ખેતરમાં સોનપરી કેરીના ઝાડ વાવ્યા છે અને આ વખતે દેશી પદ્ધતિથી ખેતી કરી સારો પાક સોનપરી કેરીનો ઉતાર્યો છે. સામાન્ય રીતે બજારમાં મળતી કેરીનો ભાવ પાંચસો રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી હોય છે પરંતુ આ કેરી બજારમાં એક નંગનાં 250 થી 300 રૂપિયા વેચાય છે. જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે. ખેડૂત ક્રિસ્ટલ પટેલે કેરીની ગુણવત્તા સારી રહે એ માટે નવો પ્રયોગ પણ કર્યો છે જેમાં પેપર બેગ કેરી ઉપર લગાડી દેવામાં આવે છે જેથી કેરીની ગુણવત્તા જળવાઈ રહે છે. 


સ્વાદમાં કેસરને પણ ફીકી પાડે છે


દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મોટાભાગે કેસર કેરીની ખેતી કરવાનું પસંદ કરતા હોય છે.  કારણ કે તેનું માર્કેટ ઉંચું છે અને સારા ભાવો પણ મળે છે સાથે જ તેની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ હોય છે. પરંતુ હાલમાં વિકસિત થયેલી સોનપરી કેરી જો કેસરની બાજુમાં મૂકવામાં આવે અને તેને ચાખવામાં આવે તો કેસરને પણ ફીકી પાડતી હોય તેવી મીઠાસ છે. 


નવસારી જિલ્લામાં ધીરેધીરે સોનપારી કેરીની માંગ વધી છે પરંતુ ગણતરીના ખેડૂતો જ આ પ્રકારની કેરીની ખેતી કરતા બજારમાં માંગ વધુ અને સપ્લાય ઓછું જોવા મળી રહ્યું છે. કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો દ્વારા આ કેરી વિકસાવવામાં આવી છે અને ખેડૂતોને સારા પરિણામ મળતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.


આ વખતે કમોસમી વરસાદ આવતા મોટાભાગના ખેડૂતોને કેરીના પાકથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. પરંતુ સોનપરીની વિશેષતા છે કે તે કોઈપણ વિષમ પરીસ્થિતિમાં પણ બગડ્યા વગર ખરી પડતી નથી જેથી ખેડૂતોને આ પાક લેવામાં અનેક ફાયદા દેખાયા છે. આ સાથે આ કેરી પાકી ગયા બાદ પણ અનેક દિવસો સુધી બગડતી નથી જેથી આ વર્ષે ગ્રાહકોએ આવતા વર્ષના ઓર્ડર પણ ખેડૂતોને લખાવી દીધા છે.  આ કેરી માર્કેટમાં ધીરે ધીરે પોતાની જગ્યા બનાવી રહી છે અને આગામી સમયમાં ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોના મત મુજબ કેસર કેરીનું સ્થાન માર્કેટમાં આ કેરી ચોક્કસ લેશે.