Cotton Crop: ભગવાન ભરોસે ખેતી કરતા ભાવનગરના ખેડૂતો પર હવે એક નવું સંકટ આવ્યું છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે ત્યારે રાજ્યનાં કૃષિ મંત્રી આ ઉપદ્રવ થી ખેડૂતોને ઉગારે તેવી માંગ ઉઠી છે.
જિલ્લામાં કપાસનું વાવેતરમાં 70% ફેલ
એક તરફ માવઠાનો માર તો બીજી તરફ લાલ જીવાત અને ઇયળોનો માર થી ખેડૂતો હવે બિચારા અને બાપડા બની ગયા છે. કારણ કે ખેડૂતોનો કપાસ હવે ખેડૂતોની સામે જ સડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનો વાવેતર થતું હોય છે પરંતુ આ વાવેતર પર હવે લાલ જીવાત અને ઇયળની નજર લાગી છે. હાલ જિલ્લાના 25 હજાર હેક્ટર કપાસના વાવેતરમાં જીવાતોનો ઉપદ્રવ વધવાના કારણે કપાસના વાવેતરમાં પણ ખૂબ મોટો તફાવત આવ્યો છે. કારણ કે માર્કેટની અંદર કપાસનું વાવેતર ઘટ્યું છે. જોકે ખેડૂતોનો કપાસનો પાક બચી શકે તે માટે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ખેડૂતોની મદદેથી આવવું જોઈએ. આ રોગથી ભાવનગર જિલ્લામાં કપાસનું વાવેતરમાં 70% ફેલ ગયું છે, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને ઉપદ્રવના કારણે મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
મોંઘા દાટ બિયારણો અને ઊંચી કિંમતની દવાના છંટકાવ બાદ નથી ઘટી રહ્યો જીવાતનો ઉપદ્રવ
એબીપી અસ્મિતાએ ભાવનગરના ઘોઘા તાલુકાના મોરચંદ ગામની મુલાકાત લીધી હતી. આ સમયે કપાસના વાવેતરમાં અસંખ્ય ઈયળ અને લાલજી વાત જોવા મળી હતી. જોકે આ પરિસ્થિતિ માત્ર ઘોઘા તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં સામે આવી રહી છે. હજી તો ખેડૂત માવઠાના મારથી ઉભર્યા નથી ત્યાં હવે કપાસમાં નવી મુસીબત આવી પહોંચી છે. કપાસના જીંડવા આ ઉપદ્રવના કારણે ખરાબ થઈ રહ્યા છે. મોંઘા દાટ બિયારણો અને ઊંચી કિંમતની દવાના છંટકાવ બાદ પણ કપાસના પાક પર ઉપદ્રવ ઘટવાનું નામ લેતું નથી, તેથી રાજ્યના કૃષિ મંત્રી દ્વારા એક્સપોર્ટ ટીમની કમિટી બનાવી ખેડૂતોને આ સંકટથી બચાવવા જોઈએ તેવી માંગ થઈ રહી છે. આ ઉપદ્રવની અસર માર્કેટિંગ યાર્ડમાં પણ જોવા મળી રહી છે.