International Cooperation Day: 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, દિલીપ સંઘાણી, શંકર ચૌધરી, અજય પટેલ, જેઠાભાઈ આહીર સહિત દેશના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે. દેશ અને ગુજરાત ના તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો અને લોકોને શુભકામના છે. ઘણા વર્ષોથી સહકરિતાં મંત્રાલયની માંગ હતી પણ કોંગ્રેસ ના લોકોને એની અગત્યતા લાગી ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની આજના દિવસે સ્થાપના કરી હતી. નેનો યુરિયા અને નેનો ડીએપી માટે ગુજરાતના મુખ્યમંત્રીએ 50 ટકા રાહતનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે નેનો ખાતરની કિંમતમાં ઘટાડો કર્યો છે, એનો ઉપયોગ કરવા તમામ ખેડૂતોને અપીલ છે.
પાકને પોષણ આપવા માટે એક નવી તકનીકની શોધ કરવામાં આવી છે, જેનું નામ નેનો યુરિયા છે. નેનો યુરિયાનો ઉપયોગ પાકની ગુણવત્તા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. તેના ઉપયોગથી જમીનનું પ્રદૂષણ સ્તર પણ ઘણી હદ સુધી ઘટે છે.
નજીવી કિંમતે મળી રહી છે નેનો યુરિયાની બોટલ
સ્વાભાવિક છે કે પરંપરાગત ખેતી વખતે યુરિયા મોટી બોરીઓમાં ભરીને આવતા પાક પર નાખવામાં આવતું હતું. તેને ખેતરોમાં લાવવા અને તેનો છંટકાવ કરવા માટે ખેડૂતોને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. પરંતુ આજે નેનો ટેકનોલોજીના યુગમાં ખેડૂતોને યુરિયાની એક બોરીમાંથી માત્ર એક બોટલ મળે છે. ખેડૂતોને માત્ર રૂ.250ના ખર્ચે નેનો યુરિયાની 500 મિલી બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે સામાન્ય યુરિયા કરતાં પાકને વધુ પોષણ પૂરું પાડે છે.
નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉપજ આપવાનું માધ્યમ પણ કહેવામાં આવે છે
આ જ કારણ છે કે નેનો યુરિયાને ઓછા ખર્ચે વધુ ઉપજ આપવાનું માધ્યમ પણ કહેવામાં આવે છે. નેનો યુરિયાનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ સરળ છે. પાક પર છંટકાવ માટે 2-4 મિ.લિ. એક લિટર પાણીમાં ઓગળેલા નેનો યુરિયા પ્રવાહીને સ્પ્રેયરની મદદથી પાક પર છાંટવામાં આવે છે. નેનો યુરિયાના છંટકાવથી માત્ર પાક અને જમીનની તંદુરસ્તી જ નહીં, પણ જમીનમાં પાણીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
94થી વધુ પાક પર કરી શકાય છે છંટકાવ
નિષ્ણાતોના મતે, ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ હોવાથી, પાક પર નેનો યુરિયાનો છંટકાવ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ નેનો યુરિયાનો 94 થી વધુ પાક પર છંટકાવ કરી શકાય છે. નેનો યુરિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના ઉપયોગથી પાકની ઉપજમાં લગભગ 8 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નેનો યુરિયા દેશના લાખો ખેડૂતો માટે ખેતીનું ખૂબ જ આર્થિક અને નફાકારક માધ્યમ બની રહ્યું છે.