Garlic-Onion Farming: ખેડૂતોની આવક વધે તે માટે કેન્દ્ર અને જે-તે રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજના ચલાવે છે. તેમ છતાં મધ્યપ્રદેશમાં ખેડૂતોને ઘણા પાકના ભાવ નથી મળી રહ્યા જેના કારણે તેઓ પરેશાન છે. બુંદેલખંડના સાગર જિલ્લાના રાહલી તાલુકાના એક ખેડૂતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ફરીથી લસણ અને ડુંગળીની ખેતી નહીં કરે તેવા શપથ લઈ રહ્યો છે.


ઉપજ આવીને ભાવ ગગડ્યાં


મધ્યપ્રદેશમાં હાલના દિવસોમાં હાલ ઘંઉ સહિત ઘણા પાક સારા આવ્યા છે પરંતુ અમુક પાકના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. સાગર જિલ્લાના રાહલી તાલુકાના એક ખેડૂતે પોતાના ત્રણ એકરના ખેતરમાં લસણ અને ડુંગળીની ખેતી કરી હતી. જ્યારે ઉપજ આવી ત્યારે ડુંગળી 5-6 રૂપિયા પ્રતિ કિલો અને લસણ 15-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાયા.


શાહુકાર પાસેથી લોન લઈને વાવી હતી  ડુંગળી


સાંદઈ ગામના રાધેશ્યામ નામના આ ખેડૂતે ગામમાં બધાની સામે બેસીને ઉઠક બેઠક કરી. તેણે ગ્રામજનોની સામે શપથ લીધા કે હવે તે કાન પકડીને કહે છે કે તે ક્યારેય લસણ અને ડુંગળીની ખેતી નહીં કરે. ગ્રામજનોએ આ ખેડૂતનો વીડિયો બનાવ્યો, જે વાયરલ થઈ રહ્યો છે. રાધેશ્યામ કહે છે કે તેણે શાહુકાર પાસેથી લોન લઈને લસણ અને ડુંગળી વાવી હતી.


ચણાને બદલે લસણ-ડુંગળીનું વાવેતર થયું


એવું કહેવાય છે કે ખેતીમાં નફો મેળવવા માટે ઘણા ખેડૂતોએ ઘઉં-ચણાને બદલે લસણ-ડુંગળીની ખેતી કરી હતી. હવે જ્યારે બજારમાં પાકનું આગમન શરૂ થયું ત્યારે લસણ અને ડુંગળીના ભાવ ખૂબ જ ઘટી ગયા છે. જેના કારણે તેમનો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી. ઘણા ખેડૂતો પાસે લસણ અને ડુંગળીના સ્ટોકની વ્યવસ્થા નથી, તેથી તેઓ તેમને હવે જે ભાવ મળે તે ભાવે વેચી રહ્યા છે.