Natural Farming: ગુજરાતના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગત સપ્તાહે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને.   આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા.


રાજ્યપાલે આ વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે, ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરી શકાશે. રાજ્યપાલેપ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસો બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.


રાસાયણિક કૃષિથી શું થાય છે નુકસાન


તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં 24 ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે 1,60,૦૦૦  કરોડનો આર્થિક બોજ ઉઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે.


રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નહીવત આવે છે. જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે અને પાણીનો વપરાશ 50 ટકા સુધી ઘટાડી શકાય છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની દિન પ્રતિદિન માગ વધતી જાય છે અને સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદન ઘટતું નથી.




પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો


દેશી ગાય



  • પ્રાકૃતિક  ખેતી દેથી ગાય પર આધારિત છે.

  • દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300-500 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે.

  • દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીન વધુ ઉત્પાદક બને છે.

  • દેશી ગાયના છાણમાં છોડના વિકાસ માટે જરૂરી 16 મુખ્ય પોષકતત્વો હોય છે.

  • આ તમામ પોષકતત્વો દેશી ગાયના આંતરડાંમાં બને છે. તેથી દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે.


પિયત વ્યવસ્થા



  • પ્રાકૃતિક ખેતીમાં છોડને પિયત થોડી દૂર આપવામાં આવે છે.

  • આમ કરવાથી 10 પાણીનો ઉપયોગ અને 90 ટકા પાણીની બચત થઈ શકે છે

  • થોડે દૂરથી પાણી અપાતાં છોડના મૂળની લંબાઈ વધી જાય છે. જેના પરિણામે છોડના થડની જાડાઈ અને લંબાઈ વધે છે.

  • છોડની લંબાઈ અને જાડાઈ વધતાં ઉત્પાદન વધારે મળે છે.