Organic Farming vs Natural Farming: ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં પ્રાકૃતિક ખેતીને મહત્વ મળે તે માટે વર્ષ 2022/23ના બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઇ કરી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે આ જોગવાઈ કરવામાં આવી રહી છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ગેરફાયદા અને પ્રાકૃતિક ખેતીથી મળતું કૃષિ ઉત્પાદન વચ્ચે ખૂબ મોટું અંતર હોવાનું જણાવે છે. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થતો હોય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચે કૃષિ પેદાશોનું ઉત્પાદન કરી શકાય છે. જાગરુકતાના અભાવે ઘણીવાર ઓર્ગેનિક ખેતીને જ પ્રાકૃતિક કૃષિ માની લેવામાં આવે છે. પરંતુ, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે ઘણું અંતર છે. પ્રાકૃતિક કૃષિ એટલે પ્રકૃતિના જતન સાથે થતી ખેતી અને શૂન્ય ખર્ચ.


બંને ખેતીમાં શું છે ફરક


રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી બન્ને અલગ-અલગ ખેતી પદ્ધતિ ધરાવે છે. રાસાયણિક ખેતીમાં ખાતર દવા સહિત અન્ય ચીજ વસ્તુઓમાં ખૂબ મોટો ખર્ચ થાય છે. જેની સામે મળતું કૃષિ ઉત્પાદન પૂરતા બજાર ભાવોને લઇને આજે પણ ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે. તેની સામે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનમાં રાસાયણિક ખેતીની સરખામણીએ માત્ર 20 ટકા જેટલો જ ખર્ચ થાય છે, જેની સામે ઉત્પાદિત થતાં કૃષિ પેદાશોના બજારભાવ રાસાયણિક કૃષિ પેદાશોની સરખામણીએ 40 ટકા કરતાં વધુ ઊંચા બજારભાવ મળે છે.




રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તાને ખૂબ નુકસાન થાય છે. સાથે સાથે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને અન્ય રસાયણને કારણે ઉત્પાદિત થતી કૃષિ જણસો પણ રસાયણ અને દવાની અસરોવાળી જોવા મળે છે. જેને કારણે માનવ આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થઈ શકે છે, જેની સામે પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા વધારવાની સાથે ઉત્પાદિત થતું કૃષિ જણસ આરોગ્યની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જેને કારણે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આવકારદાયક ખેતી પદ્ધતિ માનવામાં આવી રહી છે.