Jamnagar News:  સરકારના રાજ્યમાં ખાતરનો પૂરતો સ્ટોક હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. મોરબી બાદ જામનગરમાં પણ યુરિયાની અછત છે, જેને  લઈને ખેડૂતો પરેશાન થઈ ગયા છે. લાલપુર રોડ પર આવેલ કિસાન સુવિધા કેન્દ્ર બહાર યુરિયા નહીં મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યુ હતું. છેલ્લા 10 દિવસથી યુરિયાનો જથ્થો નહીં મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે.


થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું ખાતર મળતું હોવાના દાવા કરવામાં આવ્યા હતા, જે પોકળ સાબિત થઈ રહ્યા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઇનો લગાવી રહ્યા છે. ખેડૂતોને ખાતર માટે મુશ્કેલી પડી રહી છે. ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવીને બેસે છે છતાં પણ ખેડૂતોને ખાતર મળતું નથી.  




રાજ્યમાં યુરિયા ખાતરને લઈ કૃષિ મંત્રીએ ખેડૂતોને શું કરી અપીલ ?


ગુજરાતમા હાલ ખરીફ સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી.




રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી છે. રાજ્યમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી.


 કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.