Natural Farming: પ્રાકૃતિક ખેતી કરવાની સાથે અનેક પ્રયોગશીલ ખેડૂતો પોતાની કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવાની સાથે મૂલ્યવર્ધનનો પણ સફળ પ્રયોગ કર્યો છે. મૂલ્યવર્ધનની સાથે સાથે કૃષિ પેદાશનું ગ્રેડિંગ, પેકેજિંગ કરવામાં આવે અને તેમાં મૂલ્યવર્ધન ભળે તો ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ લાભ જ લાભ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરલી ગામના રમેશભાઈ સુથારે પ્રાકૃતિક ખેતીનો તો સફળ પ્રયોગ કર્યો છે પણ તેના મૂલ્યવર્ધન ઉપરાંત ખેતરની કૃષિ પેદોશોનું ગ્રેડિંગ, પેકેજિંગને મહત્વ આપીને મહત્તમ આર્થિક આવક મેળવી છે.
પ્રાકૃતિક ખેતીની કેવી રીતે મળી પ્રેરણા
તેમણે કહ્યું, 2003માં ખેતીની શરૂઆત કરી અને 2012 સુધી રાસાયણિક ખેતી કર. હતો. 2013થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. રાસાયણિક ખેતીમાં બાજરી, તલ, મગ, સરસવ, સોયાબિન જેવા પાકોનું વાવેતર કરતો. તેમાં ખર્ચ વધું અને ઉત્પાદન ઓછું રહેતું. રાસાયણિક ખાતરના કારણે ઉત્પાદકતા ઘટતી ગઈ અને અન્ય ખર્ચ વધતા ગયા. રાસાયણિક ખાતરોના કારણે ખેતરમાં અનેક પ્રકારના રોગ પણ જોવા મળ્યાં. આ પરિસ્થિતમાંથી બહાર આવવા મેં આણંદ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક ખેતીની તાલીમ લીધી અને તેમાંથી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવાની પ્રેરણા મળી. જે બાદ 2014-15માં રાંધેજામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ શિબિર યોજાઈ હતી તેમાં હું જોડાયો અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. ત્યારથી હું પ્રાકૃતિક ખેતી કરતો આવ્યો છું.
એક જ ગાયના છાણ અને ગૌમૂત્રથી બનાવે છે ખાતર
મારે એક જ ગાય છે અને તેના મૂત્ર તથા ગોબરમાંથી અમે જીવામૃત જેવું ખાતર બનાવીએ છીએ. મારી પાસે કાંકરેજ ગાય છે અને તે પૂરતી છે. એક ગાય દ્વારા હું ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીથી બાજરી, તલ, હળદર, પપૈયા, સોયાબિન, શાકભાજી, રાય, વરિયાળી, મેથી દેરક પ્રકારનું વાવેતર કરું છું. રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા બાદ પ્રમાણમાં ઉત્પાદન ઓછું રહેતું પરંતુ જેમ જેમ જમીન પોચી થતી ગઈ તેમ જમીનની ફળદ્રુપતા વધી અને ઉત્પાદન પણ વધ્યું. તેમાં જીવામૃત, ઘનજીવામૃત, આંતરપાક, આચ્છાદાન જેવી બાબતો પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. બિયારણને બીજામૃતનો પટ આપવામાં આવે છે. વેસ્ટ કચરામાંથી ખેતરમાં આચ્છાદન કરીએ થીએ. હવે ખેતરમાં રોગનું પ્રમાણ પણ ઘટી ગયું છે અને અળસીયા પણ સારા પ્રમાણમાં દેખાય છે.
2000 ખેડૂતો લીધી છે ફાર્મની મુલાકાત
ખેતરમાં જ ઉગતાં આંકડા, ધતૂરા, કરેણ, ખરસોડીનો ઉપયોગ કરીને જંતુનાશક બનાવવામાં આવે છે. કૃષિપેદાશનું સારી રીતે માર્કેટિંગ થાય તે માટે ગ્રેડિંગ, પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરવાથી સારા ભાવ મળે છે. તેમના કહેવા મુજબ 1500થી 2000 ખેડૂતોઓ ફાર્મની મુલાકાત લીધી છે. હું ખેડૂતોને એટલું જ કહેવા માંગુ છું કે વાતાવરણમાં આવતાં બદલાવ, ખેતીમાં વધતાં જતા ખર્ચ અને કૃષિ પેદાશના ભાવના પ્રશ્નો જોતાં ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.