Cotton Production Decline: દેશના ઘણા કપાસ ઉત્પાદક રાજ્યોમાં પાકની અછતને કારણે આ વર્ષે કપાસનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતા ઓછું થઈ શકે છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI) એ આ વર્ષ માટે કપાસ ઉત્પાદન અંદાજમાં ઘટાડો કર્યો છે. સપ્ટેમ્બરમાં પૂરા થતા ચાલુ પાક વર્ષ માટે કપાસના ઉત્પાદનનો અંદાજ 5 લાખ ગાંસડીથી ઘટીને 343.13 લાખ ગાંસડી થયો છે જે મુખ્યત્વે તેલંગાણામાં ઓછા અંદાજિત ઉત્પાદનને કારણે છે. કપાસના પાકનું વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલુ રહે છે. ગત સિઝનમાં કપાસનું કુલ ઉત્પાદન 353 લાખ ગાંસડી હતું. આ સાથે યુનિયનનું અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક વપરાશમાં પણ અગાઉના અંદાજની સરખામણીમાં ઘટાડો જોવા મળી શકે છે.


ગુજરાતમાં કેટલું ઘટી શકે છે ઉત્પાદન


CAI અનુસાર તાજેતરનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીમાં 5 લાખ ગાંસડીનો ઘટાડો દર્શાવે છે. સિઝન દરમિયાન કપાસનું ઉત્પાદન તેલંગાણામાં 2 લાખ ગાંસડી, ગુજરાત અને કર્ણાટકમાં એક-એક લાખ ગાંસડી અને આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં 50,000 ગાંસડી ઘટવાની ધારણા છે. CAI એ ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીના ચાર મહિનામાં કપાસના કુલ પુરવઠાનો અંદાજ 272.20 લાખ ગાંસડીનો છે. જેમાં સિઝનની શરૂઆતમાં 192.20 લાખ ગાંસડીની આવક, 5 લાખ ગાંસડીની આયાત અને 75 લાખ ગાંસડીનો ઓપનિંગ સ્ટોક સામેલ છે. ઑક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં કપાસનો અંદાજિત વપરાશ 114 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે, જ્યારે 31 જાન્યુઆરી, 2022 સુધી નિકાસ 2.5 મિલિયન ગાંસડી રહેવાનો અંદાજ છે.  CAI દ્વારા અંદાજિત સ્થાનિક વપરાશ તેના અગાઉના 345 લાખ ગાંસડીના અંદાજથી ઘટીને 340 લાખ ગાંસડી થઈ ગયો છે.


કપાસનું ઉત્પાદન ઘટશે તો કોને પડશે મુશ્કેલી


હાલ કપાસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં કપાસના ભાવમાં 80 ટકા સુધીનો વધારો થયો હતો. ગયા મહિને જ ઇન્ડસ્ટ્રી એસોસિએશને કપાસની નિકાસ પર નિયંત્રણ, કપાસની આયાત પરની 10 ટકા ડ્યુટી દૂર કરવા અને કપાસ અને અન્ય કાચા માલના ભાવને નિયંત્રિત કરવા માટેની પદ્ધતિ સૂચવી હતી. ઉદ્યોગના મતે, કપાસના ભાવમાં તીવ્ર વધારો ગારમેન્ટ ઉત્પાદકો અને નિકાસકારો માટે મોટો પડકાર છે અને તેઓ તેમના ઓર્ડર ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો આ વર્ષે પણ કપાસનું ઉત્પાદન ઘટશે તો નિકાસકારો માટે મુશ્કેલી વધી જશે.