World's Most Expensive Cow: દુનિયાભરમાં વસતા કરોડો હિન્દુઓ ગાયને માતા માને છે. ભારતમાં આ પ્રાણીની પૂજા કરવામાં આવે છે. આયુર્વેદમાં ગાયના દૂધને અમૃત તરીકે વર્ણવવામાં આવ્યું છે. આજે પણ ભારતના ગામડાઓમાં તમને તમારા મોટાભાગના ઘરોમાં ગાય જોવા મળશે. જો કે આજે આપણે દેશી ગાય વિશે નહીં પરંતુ દુનિયાની સૌથી મોંઘી ગાય વિશે વાત કરી રહ્યા છીએ. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ ગાય વિદેશમાં હોવા છતાં ભારત સાથે સંબંધિત છે. ચાલો આજે તમને આ ખાસ ગાય વિશે જણાવીએ.


આ કઈ ગાય છે?


આ ગાયનું નામ Viatina-19 FIV Mara Imovis છે. આ નેલ્લોર જાતિની ગાય છે. હકીકતમાં એક રિપોર્ટ અનુસાર, આ ગાયના ત્રીજા ભાગની માલિકી હકને બ્રાઝિલમાં 1.44 મિલિયન ડોલરમાં વેચવામાં આવી છે. એટલે લગભગ 11 કરોડ રૂપિયામાં. હવે જો તેના પરથી તેની કુલ કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો તે 4.3 મિલિયન છે. તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો, તે અંદાજે રૂપિયા 35 કરોડ છે. આ ગાયની ઉંમર લગભગ સાડા ચાર વર્ષની છે.


આ ગાયનો ભારત સાથે શું સંબંધ?


આ ગાયનો ભારત સાથેનો સંબંધ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, આ ગાય જે જાતિની છે તે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં જોવા મળે છે. આ જાતિને આ જિલ્લામાંથી જ બ્રાઝિલ મોકલવામાં આવી હતી. અહીંથી આ ગાય આખી દુનિયામાં ફેલાઈ અને આજે તે આખી દુનિયાની સૌથી મોંઘી ગાય બની ગઈ છે. એવું કહેવાય છે કે, આ જાતિની લગભગ 16 કરોડ ગાયો આખી દુનિયામાં છે.


આ ગાય આટલી મોંઘી કેમ છે?


નેલ્લોર જાતિની ગાયો આખી દુનિયામાં સૌથી મોંઘી વેચાય છે. કારણ કે, તેઓ પોતાને ગમે ત્યાં એડજસ્ટ કરી લે છે અને સારી એવી માત્રામાં  દૂધ પણ આપે છે. તેની સાથે જ તેના દૂધમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે શરીર માટે શ્રેષ્ઠ છે. ચળકતી સફેદ અને ઢીલી ચામડીવાળી આ ગાયો એકદમ સીધી હોય છે. તેમના ખભા પર એક ખૂંધ હોય છે. આ ગાયોની ચામડી ઢીલી હોઈ શકે છે, પરંતુ તે ખૂબ જ સખત હોય છે. આ કારણે આ ગાય ઉંચા તાપમાનને સહન કરે છે અને લોહી ચૂસનાર જંતુઓ પણ તેમને ખલેલ પહોંચાડી શકતા નથી.