Farmer's Success Story: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાન દબાસ ગામના ખેડૂત બુધ્યાભાઇ પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તેઓ સ્ટ્રોબેરીની ખેતીમા પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા હતા, પંરતુ સરકારના પ્રાકૃતિક ખેતી અંગેનુ પ્રોત્સાહન મળતા પ્રથમવાર પ્રાકૃતિક પદ્ધતિનું આચ્છાદન અપનાવી પોતાની ખેતીની આવક બમણી કરી છે.
ડાંગ જિલ્લામા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા અહીંના આદિવાસી ખેડૂતોએ સ્ટ્રોબેરી ઉત્પાદનમા ઝંપલાવ્યુ અને આજે ખૂબ મોટી સફળતા સાથે તેઓ સ્ટ્રોબેરીનુ ઉત્પાદન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય કરતા આજે ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી દરેક જગ્યાઓ વખાણાય છે. ડાંગ જિલ્લામા રસાયણ મુક્ત ખેતીની યોજના અંતર્ગત હેન્ડ હોલ્ડીંગની કામ કરતી સંસ્થાઓ, પ્રાકૃતિક ખેતીની ગામેગામ તાલીમો આપી રહી છે. ડાંગ જિલ્લામા સમયાતંરે ખેડૂત તાલીમ યોજીને પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજાવવામા આવે છે. પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજી ડાંગ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી ચુક્યા છે. ખેડુતોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા, ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ જિલ્લાના વર્ષ 2020-21 અને 2021-22માં 3229 લાભાર્થી ખેડુતોની, 3500 હેક્ટર જમીન વિસ્તારની ખેતીને પ્રાકૃતિક ખેતી તરીકે પ્રમાણિત કરી, આ લાભાર્થી ખેડૂતોને અત્યાર સુધીમા રૂ. 301.10 લાખની સહાય ચુકવવામા આવી છે. આ ઉપરાંત સપુર્ણ રસાયણ મુક્ત યોજના અંતર્ગત વર્ષ 2021-22મા, ખરીફ સિઝનમા પ્રાકૃતિક ખેતી કરતા 13,487 ખેડુતોને રૂ.675.75 લાખની સહાય આપવામા આવી છે. તથા શિયાળુ સિઝનમા 4873 ખેડુતોને રૂ.110.81 લાખની સહાય આપવામાં આવી છે. આ યોજનામા વર્ષ 2022-23 મા નવી 4170 અરજીઓ મળી છે.
ડાંગ જિલ્લાના નાની દબાસ ગામના ખેડૂત બુધ્યાભાઇ પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરતા આવ્યા હતા. જોકે ડાંગ જિલ્લાનુ શીતળ વાતાવરણ સ્ટ્રોબેરી માટે અનુકુળ સાબિત થયુ છે. તેઓ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી માસ સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી રીતે આવક મેળવે છે. પ્રાકૃતિક ખેતીથી પ્રેરણા લઇ આ વખતે તેઓએ સ્ટ્રોબેરીની ખેતીમા નવતર પ્રયોગ કરીને ઓછા ખર્ચમા વધુ આવક મેળવી છે. ખેડુતના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગ દ્વારા તેઓને ખેતી ખર્ચના 75 ટકા સરકાર તરફથી આપવામા આવે છે. તેઓએ પોતાની જમીનમા ડ્રીપ ઇરીગેશન પધ્ધતી અપનાવી પાણી બચાવ, ઉંપરાત પ્રાકૃતિક ખેતીનો હકારાત્મક અભિગમ અપનાવી સ્ટ્રોબેરીની ખેતીમા ઓછા ખર્ચ માટે મલ્ચીગ પેપરનો ઉપયોગ કરવાનુ ટાળીને પ્રાકૃતિક આચ્છાદનનો ઉપયોગ કર્યો છે. 10 કિલો ગોબર, 10 કિ.ગોમુત્ર, 2 કી.ગોળ, 2 કિ.બેસન લોટ મિશ્રણ, 5 કિ. વડના થડની માટી તેમજ છોડ ઉપર પ્લાસ્ટીકના બદલે ડાંગરની ફરાળીનો ઉપયોગ કરી, આચ્છાદન બનાવી સ્ટ્રોબેરીના છોડ ને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીમાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
ખેડૂત બુધ્યાભાઇ પવારે વધુમાં જણાવ્યું હતુ કે, ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવી તેઓને બાગાયત ખેતીમાં બમણો ફાયદો થયો છે. મલ્ચીગ પેપરનો 1800 થી 1900 રૂપિયાનો ખર્ચ હવે બચી જાય છે. ઓર્ગેનિક પદ્ધતિ અપવાનતા અળસીયા પણ પેદા થાય છે, અને સ્ટ્રોબેરીના છોડને ખાતર મળી રહે છે.
ડાંગ જિલ્લામા પ્રાકૃતિક ખેતીમાટે ખેતીવાડી શાખા હસ્તકની કેન્દ્ર પુરસ્કુત તથા રાજય સરકાર હસ્તકની યોજનાઓનુ અમલીકરણ તથા વિસ્તરણની કામગીરીની, ગ્રામ્યકક્ષા સુધી અમલવારી કરાવવામા આવે છે. કૃષિલક્ષી કાર્યક્રમોની સફળતાના પગલે અહીં બુધ્યાભાઇ પવાર જેવા ખેડૂતોના આર્થિક, સામાજીક જીવનમા પરીવર્તન આવ્યુ છે. હાલમા અહીના ખેડુતો ઓછામા ઓછા ખેતી ખર્ચે, વધુમા વધુ ઉત્પાદન મેળવતા થયા છે. ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી પાકો અપનાવી વધુ આવક મેળવતા થયા છે.