Farmer’s Success Story: આજે ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી કરતા થયા છે. જેનું તેમને સારું પરિણામ પણ મળતું થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામનો પ્રગતિશીલ યુવાન ખેડૂત ટૂંકી જમીનમાં ઓર્ગેનિક ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે.


સરગવાની સાથે કરે છે આ ખેતી


અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વંડા ગામમાં જમીનના તળમાં પાણી અનુકૂળ ન હોવાને કારણે ચણા, મગફળી, ઘઉં સહિતના શિયાળુ પાક ઓછા પ્રમાણમાં થાય છે. આ વિસ્તારમાં સુકી ખેતીનું વાવેતર વધારે છે, ચોમાસા દરમિયાન વાવેતર વધુ પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે ત્યારે વંડા ગામના નવયુવાન ખેડૂતે 25 વીઘાની ટૂંકી જમીનમાં ટપક પદ્ધતિથી સરગવો, હળદર, મરચા અને લીંબુની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. 11 વીઘામાં આ નવયુવાન ખેડૂતે સરગવાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે.






સરગવો ઔષધી રૂપમાં છે અને લોકો દવાના ઉપયોગમાં પણ સરગવાને લઈ રહ્યા છે. સરગવાનો પાવડર સાંધા, વા, કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીમાં ફાયદારૂપ છે, જ્યારે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં સરગવો વેચવા જાય છે તો પોષણસમ ભાવો નથી મળતા ત્યારે આ નવયુવાને ખેડૂતે સરગવાની ખેતી કરીને પોતાના ઘરે પ્રોસેસિંગ યુનિટ ઊભું કર્યુ છે. તેમાં સરગવાનો પાવડર બનાવીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તેનું વેચાણ કરે છે. તે ઉપરાંત મરચાં અને હળદરની ખેતી કરીને આવેલો પાક માંથી મરચા હળદરનો પાવડર તૈયાર કરીને છૂટક વેચાણ કરે છે, તેના કારણે બે વર્ષ દરમિયાન 60 લાખ રૂપિયા જેવી કમાણી આ યુવાન ખેડૂતે કરી છે.




લોકો ઘરે આવીને ખરીદી જાય છે હળદર, મરચું


ખાસ કરીને ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, દિન પ્રતિદિન ઓર્ગેનિક ખેતીનું વાવેતર વધુ પ્રમાણમાં થવા લાગ્યું છે. તેની સામે ઓર્ગેનિક વસ્તુઓ લેવાનો આગ્રહ લોકો વધુ રાખી રહ્યા છે ત્યારે વંડા ગામના લોકો આ નવયુવાન ખેડૂતના ઘરે આવીને હળદર અને મરચાની ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. મરચા, હળદર સહિતની ચીજ વસ્તુઓ માર્કેટમાંથી ગ્રાહકો ખરીદી કરે છે તે બાર મહિના સારી નથી રહેતી. તેની સામે શુદ્ધ અને ઓર્ગેનિક હળદર અને મરચું માર્કેટ ભાવ પ્રમાણે મળતા લોકો આ ખેડૂત પાસેથી લેવાનો આગ્રહ વધુ રાખે છે.