Gujarat Agriculture News: લાલ ટામેટા, લાલ ગાજર, પીળું આદુ - આ બધું તો શાકમાર્કેટમાં જોવું અતિ સામાન્ય વાત છે. પરંતુ, શું તમે કાળા ટામેટા, કાળા-પીળા ગાજર, કાળુ આદું જોયું છે? તમને એમ થશે, આવું તો કંઈ હોતું હશે ! પરંતુ, આ સાચી વાત છે.
વડોદરાની ભાગોળે કોયલી તરફ જતાં રસ્તામાં આવતા કૌશિલ પટેલના ખેતરમાં પગ મૂકતા જ શાકભાજીની વિવિધતા વિસ્મય પમાડે છે. અહીં એક જ ખેતરમાં અનેકવિધ શાકભાજીને એકસાથે નહીં, પરંતુ વારાફરતી ઉગાડવામાં આવે છે. ખાસ વિશેષતા એ છે કે, આ શાકભાજીમાં લાલ તાંદલજો, 6-7 પ્રકારના લાલ, પીળાં અને કાળા ટામેટાં, લાલ નસોની પાલક, પંચ વર્ષીય લાલ તુવેર કે જે પાંચ વર્ષ સુધી સળંગ ચાલે છે, 4-5 કિલોની દૂધી કે જે ગોળાકાર અને લાંબી એમ બે પ્રકારની હોય છે. લાંબી દૂધીની લંબાઈ 5-6 ફૂટની હોય છે.
કાળા-પીળા ગાજર, અશેઢિયોની ભાજી, નેપાળી કોબીજ, ચોઈસમ ભાજી, કાળું આદું, દેશી બી વડે થતાં ઉભાં અને નાનકડાં મરચાં, પોઇ ભાજી, 4-5 પ્રકારની તુલસી, ઉનાળામાં થતી વાલોળ, જીવંતી ડોડી, રાયો સાગ કે જેનો કાશ્મીરી અને નેપાળી લોકો વધુ ઉપયોગ કરતા હોય છે. ખાવાની કવાચ, વિંડેજ બિન્જ, ઓસ્ટ્રેલિયન પિંક જામફળ, લૂણી ભાજી, ખાટી ભાજી, શતાવરી, ડમરો જેવા વિવિધ પ્રકારની શાકભાજી ઉપરાંત બીટ, એલોવેરા, રૂંવાટી વાળું ફ્લાવર, સરગવો, મેથી, ટિંડોરી, મીઠી લીમડી, ધાણા, પાલક, વટાણા, સુવા તરબૂચ, કારેલા, રીંગણ, લીલી ચા, પરવળ, ફુદીનો, ગલકા, પપૈયું જેવી રોજિંદી રીતે વપરાતી શાકભાજી પણ અહીં જોવા મળે છે. આ શાકભાજીમાં આપણને જરૂરી વિટામિન અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
ખેતીમાં કેવી રીતે જાગ્યો રસ ?
પ્રગતિશીલ ખેડૂત એવા 37 વર્ષીય કૌશિલભાઈ પટેલ કહે છે કે, "જમીન હોવા છતાં, મને ખેતી કરતા આવડતી નહોતી. ખેતી કરવાનો રસ હોવા છતાં, મારામાં આવડત ન હોવાના કારણે હું પૂરતો સમય આપી નહોતો શકતો. તેમ છતાં હું રાજ્યના કોઈપણ ખૂણે ખેડૂત સેમિનાર હોય તો પહોંચી જતો. આ રીતે ખેતીને લગતી વધુમાં વધુ માહિતી મેળવીને હું છેલ્લા દોઢ વર્ષથી ખેતી કરી રહ્યો છું અને તેના સારા પરિણામો આજે બધાની સામે છે. કૌશિલ પટેલ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં જુનિયર સાયન્ટીફીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. સારો પગાર હોવા છતાં, પણ ખેતી પ્રત્યેનો તેમનો લગાવ ખરેખર કાબિલને દાદ છે.
મહિને એક લાખની આવક
પોતાની એક એકર જમીનમાં શાકભાજીની ખેતીથી કૌશિલ પટેલ દર મહિને સરળતાથી રૂપિયા એક લાખ જેટલી આવક રળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં અમુક શાકભાજીનો ભાવ વધારે હોવા છતાં ઘણાંય લોકો ફોન પર ઓર્ડર આપે છે. આ તમામ શાકભાજી પ્રાકૃતિક ખેતીથી થતા હોવાથી અહીં લોકોની માંગ વધુ રહે છે.
કેવી રીતે કરે છે ખેતી
પોતાની ખેતી કરવાની શૈલી વર્ણવતા તેમણે જણાવ્યું કે, ચોમાસા પહેલાં 6-7 ટ્રેક્ટર જેટલું છાણીયું ખાતર આખાય ખેતરમાં એકીસાથે નાખીને તેની ઉપર સાદી ખેડ કરીને પછી જ બિયારણ નાખવામાં આવે છે. ત્યારબાદ આખુય વર્ષ કંઈપણ નાખવાની જરૂર પડતી નથી. ફક્ત સમયસર પાણી જ આપવાનું રહે છે. કહેવાય છે ને કે, જંગલમાં ઉગતી વનસ્પતિને કોઈપણ પ્રકારની સંભાળની જરૂર પડતી નથી તેમ છતાં તે ફળે-ફૂલે છે. મેં તો ફક્ત મારી રીતે શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન જ કર્યો હતો, જેમાં 100 ટકા સફળ રહ્યો છું.
6 ફૂટની દૂધી અને કાળી ગાજરને મળ્યું છે ઇનામ
આ વર્ષે નવલખી મેદાન ખાતે થયેલા રાજ્ય સ્તરના ફ્લાવર શો માં કૌશિલ પટેલની 6 ફૂટની દૂધી અને કાળી ગાજરને પ્રથમ ઇનામ તેમજ જીવંતી ડોડીને ત્રીજું ઇનામ મળ્યું હતું.