રાજકોટ: સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જામકંડોરણા તાલુકાના રાયડી ગામના ખેડૂતોએ ઉભા પાકમાં બકરા ચરવા મૂક્યા છે. ચાર મહિનાની રાત દિવસની મહેનત બાદ ખેડૂતોની આ સ્થિતિ જોવા મળી. ડુંગળીના ભાવ ન મળતા ડુંગળીના ઉભા પાકમાં બકરા ચરાવવા મૂકી દીધા હતા. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે. એક કિલો ડુંગળીના ભાવ બે થી ચાર રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળીનો ભાડાનો ખર્ચ પણ ખેડૂતોને મળતો નથી.


તો એક તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ડુંગળી 4 થી 5 રૂપિયે કિલો વેચાઈ રહી છે તો બીજી બાજુ રાજકોટના મોલમાં ડુંગળીના ભાવ એક કિલોના 21 રૂપિયા જોવા મળી રહ્યા છે. ચાર મહિના મહેનત કરીને ખેડૂતો જે ડુંગળી વેચે, તેના કરતાં દસ ગણા ભાવે ડુંગળી મોલમાં વેચાઇ રહી છે. રાજકોટના અલગ અલગ મોલમાં ડુંગળીના એક કિલોના ભાવ 20થી 21 રૂપિયા છે. ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. છેલ્લા બે વર્ષથી ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ ત્રણથી ચાર હજાર કટાની આવક થાય છે.


તો હવે ડુંગળીના પોષણક્ષમ ભાવ મુદ્દે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે આ વિષયની ચર્ચા કરીશું. ખેડૂતોને કઈ રીતે મદદરુપ થઈ શકાય તે બાબતે રાજ્ય સરકાર સાથે વાતચીત કરીશું. રાજ્ય સરકાર આ બાબતે રસ્તો કાઢશે તેવી વાત રુપાલાએ કરી હતી.


ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેને પણ લખ્યો મુખ્યમંત્રીને પત્ર


ભાવનગર જિલ્લાના ખેડૂત છેલ્લા ત્રણ મહિનાથી પૂરતા ભાવ પાકોમાં નહીં મળતા પીસાઈ રહ્યા છે, જેની વેદના સાંભળવા માટે કોઈ જ રાજકીય નેતા આગળ આવી રહ્યા નથી. ડુંગળીના ગગડી રહેલા ભાવને લઈ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવી રહ્યા છે પરંતુ આ સરકારને ખેડૂતો સાથે કંઈ જ લેવાદેવા ન હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.


ભાવનગરનું મહુવા માર્કેટિંગ યાર્ડ છે ડુંગળી માટે જાણીતું









30 હજારના ખર્ચ પડી રહ્યો છે માથે


ડુંગળી પકવતાં ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળવા જોઈએ તે મળી રહ્યા નથી જેના કારણે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. એક વીઘા દીઠ ખેડૂતોને 25000 હજારથી 30000 હજાર રૂપિયા ઉત્પાદન ખર્ચ થતો હોય છે જેમાં બિયારણ, મજૂરી, બારદાન, ટ્રાન્સપોર્ટેશન, દવા સહિતનો ખર્ચ થતો હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં 55 રૂપિયાથી લઈ 165 એક મણના મળી રહ્યા છે. જેના કારણે ખેડૂત વધુ આર્થિક દેવામાં સપડાઈ રહ્યો છે. સરકાર અન્ય દેશોમાં ડુંગળી નિકાસની પોલીસી બનાવીને ખેડૂતોને પાયમાલ તથા બચાવે તો જ ખેડૂત ખેતી કરી શકશે, અન્યથા ખેડૂત ખેતી છોડીને અન્ય વ્યવસાય અપનાવા મજબૂર બની જશે તે નક્કી છે. હાલ જે પ્રમાણે ખેડૂતોને મજાક સમાન ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાત પણ ચલાવી શકતો નથી.