બનાસકાંઠા:  બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું મોટા પ્રમાણમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.  જો કે હવે રાજગરો લેવાની શરૂઆત થઈ છે અને માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ છે પરંતુ ગત વર્ષ કરતાં રાજગરાના ભાવમાં 300થી 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.


બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન રાજગરાનું વાવેતર મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે.  જોકે આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાજગરાનું વાવેતર તો કર્યું હતું પરંતુ વાતાવરણમાં પલટો અને પવન અને વરસાદના કારણે ઘણી જગ્યાએ ખેડૂતોને નુકસાન પણ પાકોમાં થયું હતું ત્યારે રાજગરાનું વાવેતર કરનાર ખેડૂતોને પણ ઉત્પાદનમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.  જો કે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ઉત્પાદન સારું છે પરંતુ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  ગત વર્ષે 1700થી 1800 રૂપિયા એક મણનો ભાવ હતો જે અત્યારે 1,300 થી 1,500 સુધીનો જ ભાવ છે એટલે કે મણ દીઠ 300થી 400 રૂપિયા જેટલો ભાવ ઘટતા ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો જેનાથી ખેડૂતો નારાજ છે.


રાજગરાની આવક તો માર્કેટ યાર્ડ માં શરૂ થઈ ગઈ છે.  સારા પ્રમાણમાં આવક પણ થઈ રહી છે પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 300થી 400 રૂપિયાનો ઘટાડો આ વખતે ભાવમાં જોવા મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.  સિઝન દરમિયાન માવઠા અને પવનના કારણે પણ ખેડૂતોને નુકસાન ભોગવાનું વારો આવ્યો હતો અને હવે ભાવ ઓછા મળવાના કારણે પણ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોની માંગ છે કે જો રાજગરામો ભાવ વધારો કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે. 


ચણાના પાકમાં આવતા વાયરસને નિવારવા રાજ્ય સરકારે જાહેર કર્યા રોગ નિયંત્રણ પગલાં


રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસ જેવા રોગ જોવા મળતા, તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આ રોગોથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. 


વધુમાં જણાવ્યા અનુસાર, સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસને અસરકારક રીતે નિવારવા માટે અસરગ્રસ્ત છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ પ્રતિ લિટર દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા પ્રતિ હેકટર ૫૦ કિગ્રા ખાતર સાથે અસરગ્રસ્ત છોડની ઉપર છંટકાવ કરવાથી આ રોગ નિયંત્રણમાં આવે છે.


સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે


સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે. તેના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. જેવાં શોષક પ્રકારની કીટનાશકને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી વાયરસ નિયંત્રણમાં આવે છે. 


૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે


સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા.ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવાથી રોગ નિયંત્રણમાં આવે છે. ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડમાં વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ (૨×૧૦* સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને ૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે. 


ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે


અત્રે ઉલ્લેખનીય છે કે, ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સૂકાઈને જમીન પર ઢળી પડે છે. પાછોતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે, જેના કારણે પાન પીળા પડે છે અને ધીરે ધીરે આખો છોડ સૂકાઇ જાય છે.